Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

ભુજ સહજાનંદ કન્યા છાત્રાલયમાં માસિક ધર્મની તપાસના મુદ્દે વિદ્યાર્થીનીઓનો આક્ષેપ નીતિનિયમોના નામે દબાણ : સંસ્થાએ દોષિત સામે કાર્યવાહીની આપી ખાત્રી : કચ્છ યુનિવર્સિટીએ કરી તપાસ

ભુજ તા. ૧૪ : ભુજ મધ્યે સ્વામિનારાયણ મંદિર કાર્યરત સહજાનંદ કન્યા છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થીનીઓએ તેમના માસિક ધર્મ અંગે છાત્રાલયના ગૃહમાતા સહિત અન્ય સ્ટાફ સામે ચોંકાવનારો આક્ષેપ કર્યો છે. વિદ્યાર્થીનીઓએ તેમને નીતિ નિયમોને નામે માસિક ધર્મ અંગે પૂછપરછ કરીને તેમને માનસિક દબાણ આપીને તપાસ કરાવવા માટે મજબૂર બનાવાઈ હોવાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો છે.

આ ઘટના બાદ અમુક વિદ્યાર્થીનીઓએ તેમના વાલીઓને વાત કરતા આખોય મામલો મીડીયા સામે આવ્યો હતો. વિદ્યાર્થીનીઓએ સંસ્થા દ્વારા ચાલવાતા શિક્ષણ કાર્ય સામે સંતોષ વ્યકત કર્યો હતો પણ છાત્રાલયમાં રહેનાર વિદ્યાર્થીનીઓને નીતિ નિયમોના નામે માનસિક ત્રાસ અપાઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. જોકે, માસિક ધર્મની તપાસના મુદ્દે વાલીઓએ પણ ભારે આપતિ વ્યકત કરી સમગ્ર ઘટનામાં દોષિત સ્ટાફ સામે પગલાં ભરવા ટ્રસ્ટી મંડળ સમક્ષ માંગ કરી છે.

જયારે વિદ્યાર્થીનીઓએ એવો આક્ષેપ કર્યો હતો કે, ટ્રસ્ટીઓ આ બનાવ બાદ સ્ટાફને છાવરે છે. પરિણામે, અમને કયાંય પણ અન્યાય થાય તેવો ડર છે. આ બનાવે ભારે હોબાળો સજર્યા બાદ ટ્રસ્ટીઓ હરકતમાં આવ્યા હતા. આ સંસ્થાના ટ્રસ્ટી અને રાજકીય, સામાજિક આગેવાન પ્રવીણ પિંડોરીયાએ 'અકિલા' સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ છાત્રાલય ધાર્મિક સંસ્થા દ્વારા ચલાવાતું હોઈ એમાં રહેતી વિદ્યાર્થીનીઓએ ચોક્ક્સપણે અમુક ધાર્મિક નિયમો નું પાલન કરવું પડે છે. દરેક સમાજ કે સંસ્થાઓ પોતાના નિયમો અંગે વિદ્યાર્થીઓને અગાઉથી જ વાકેફ કરે છે. તેમ છતાંયે જો કયાંયે કોઈ ગેર વર્તણુંક થઈ હશે તો તપાસ કરીને દોષિત સામે કાર્યવાહી કરીશું. સંસ્થા અહીં ગરીબ કે આર્થિક નબળા વર્ગની કન્યાઓને સાવ નજીવા દરે છાત્રાલયમાં રહેવા આપે છે, ભણાવે છે.

આ બનાવને પગલે કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. દર્શના ધોળકીયાએ ચાર સભ્યોની કમિટીને તપાસ માટે મોકલાવી હતી. બાદમાં તેમણે માધ્યમો સામે જણાવ્યું હતું કે, આ બનાવ સહજાનંદ ગર્લ્સ કોલેજનો નહીં પણ છાત્રાલયનો છે. એટલે યુનિવર્સિટી સાથે સંલગ્ન નથી. પણ, અમે તપાસ કરી છે. વિદ્યાર્થીનીઓના નિવેદનો અંગે તેમણે ખુલાસો કરતા કહ્યું હતું કે, સંસ્થાના નીતિ નિયમોથી વિદ્યાર્થીનીઓ વાકેફ છે. દબાણ કયાંયે થયું નથી એવું પણ તેમને વિદ્યાર્થીનીઓએ કહ્યું છે.

(11:34 am IST)