Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

ગિરનાર પગથીયાનો જીર્ણોધ્ધાર કરવાનો સરકારનો નિર્ણય

જુનાગઢ ગિરનાર તળેટીના મહાશિવરાત્રીના મેળાને મીની કુંભ મેળો જાહેરઃ ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરીટીની રચના કરી ગિરનાર ક્ષેત્રનો સર્વાંગી વિકાસ કરાશે : પૌરાણિક અને ભકિતમય મહાશિવરાત્રીના મેળામાં દિગમ્બર સાધુની શાહી રવેડીના દર્શન કરતા વિજયભાઇ

જૂનાગઢ તા. ૧૪ : જુનાગઢની ગિરનાર તળેટીના પૌરાણિક અને પરંપરાગત મહાશિવરાત્રીના મેળામાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ભવનાથ મહાદેવના દર્શન કરી મહાશિવરાત્રી મેળાની ભવ્ય અને શાહી રવેડીના દર્શન કર્યા હતા. મેળાના ઇતિહાસમાં દિગમ્બર સાધુઓની તળેટી સ્થિત શાહી રવેડીના દર્શન કરનારા શ્રી વિજયભાઇ રૂપાણી પ્રથમ મુખ્યમંત્રી છે.

શિવજીની આરાધના કરવા પહોંચેલા પાંચ લાખથી વધુ ભાવિકોનું અભિવાદન ઝીલી મુખ્યમંત્રીશ્રીએ ભારતી આશ્રમ ખાતેના સ્વાગત સન્માન કાર્યક્રમમાં આવતા વર્ષથી જુનાગઢના મહાશિવરાત્રીના મેળાને 'મીની કુંભ મેળો' જાહેર કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતને લાખો શ્રધાળુઓએ વધાવી લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ ૩૩ કરોડ દેવતાઓ બિરાજમાન હોવાની શ્રધાળુઓને શ્રદ્ઘા છે એવા ગિરનાર ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરીટીની પણ જાહેરાત કરી હતી. સાધુ સંતો અને ભાવિકોની લાગણી ધ્યાને લઇ મુખ્યમંત્રીશ્રીએ વર્ષો જુના ગિરનારના તમામ પગથીયા મરામત-જીર્ણોધાર કરવાની પણ જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ જુનાગઢ અને ગિરનારના તીર્થ પ્રવાસન સ્થળોના વિકાસ માટે  રાજય સરકાર જરૂરીયાત મુજબનો તમામ ખર્ચ કરશે તેમ જણાવ્યું હતું.

તળેટી સ્થિત શ્રી પંચદશનામ જુના અખાડાની વર્ષો જુની જગ્યાની જમીનને નિયમિત કરવાની જાહેરાત કરી આ અંગેનો હુકમ અખાડાના સંતોને અર્પણ કર્યો હતો.

તળેટી સ્થિત ભારતી આશ્રમમાં યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ મહાશિવરાત્રીનો મેળો એટલે જીવનું શિવ સાથે મિલન કહી કરોડો શ્રદ્ઘાળુઓ આ મેળો માણવા આવે છે તેમ જણાવ્યું હતું. ગિરનારી મહારાજ, ભગવાન ગુરૂદત્ત્। અને ભવનાથ દાદા ગુજરાતની ઉન્નતિ થાય સર્વાંગી વિકાસ અને સુખ સમૃદ્ઘિ વધે તેવા આશીર્વાદ આપે તેવી પ્રાર્થના પણ કરી હતી.

મુખ્યમંત્રીશ્રીનું સોના મઢેલી રૂદ્રાક્ષની માળા, તલવાર અને મોમેન્ટો આપી મહામંડલેશ્વરશ્રી ભારતીબાપુએ સ્વાગત કર્યું હતું.

જુનાગઢ શહેરની બાજુમાં ગિરનાર પર્વત તીર્થ તળેટીમાં ભજન, ભોજન, અને ભકિતના સમન્વય સમાન પાંચ દિવસનો શિવરાત્રી મેળો યોજાઇ રહેલ છે. આજે શિવરાત્રીના પવિત્રપર્વે મેળાના છેલ્લા દિવસે રાજયના મુખ્ય મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ભવનાથ મહાદેવના દર્શન કરીને મેળાની મુલાકાત લીધી હતી.

આ ધાર્મિક મેળામાં સહભાગી થવા આવતા યાત્રિકો માટે આપાગીગાના ઓટલો ચોટીલા આયોજિત અન્નક્ષેત્રની મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ મુલાકાત લઇને માનવ સેવા યજ્ઞની આ પ્રવૃતિ બિરદાવી હતી.

આ તકે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનું સ્વાગત સત્ત્।ાધારના મહંતશ્રી વિજયબાપુ, શ્રી આપાગીગાના ઓટલો ચોટીલાના મહંતશ્રી નરેન્દ્રબાપુ અને શ્રી લાલ સ્વામી જગ્યાના મહંતશ્રી હરિગીરીબાપુએ કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ ૨૪ કલાક ચાલતો અન્નક્ષેત્ર ગત તા.૯ ફેબ્રુઆરી થી શરૂ કરવામાં આવેલ છે. તા.૧૩ ફેબ્રુઆરી સુધીમાં અન્નક્ષેત્રનો અંદાજે અઢી લાખ જેટલા ભાવિકજનોને આ પ્રસાદ-ભોજનનો લાભ લીધેલ છે. ભવિકજનોને સવારે ચા-કોફી સાથે નાસ્તો, બપોરે મીઠાઇ સાથે ભોજન અને રાત્રે પણ ભોજનની વ્યવસ્થા યાત્રીકો માટે કરવામાં આવે છે.

આ અન્નક્ષેત્રમાં સેવાભાવી આગેવાનો શ્રી ધીરૂભાઇ ગોહિલ, કિશોરભાઇ ચોટલીયા, ૧૫૦ જેટલા સ્વયંસેવક ભાઇ, બહેનો, શ્રી શ્યામ મહિલા મંડળની બહેનો, શ્રી મહાત્મા ગાંધીની નર્સિંગ હોમની બહેનો  સહિતના અન્ય સેવાભાવી લોકો સેવા આપી રહ્યા છે. આ પ્રસંગે મેયર શ્રી આદ્યશકિતબેન મજમુદાર અને મહિલા સુરક્ષા સમિતિના ઉપાધ્યાક્ષ શ્રીમતી જયોતીબહેન વાછાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભવનાથ મહાદેવના દર્શન કરી અગ્નિ અખાડાની મુલાકાત લઇ ગાયત્રી માતાના દર્શન અને પુજા અર્ચના કરી હતી.શ્રી અગ્ન અખાડાના સભાપતિ અને ભારત સાધુ સમાજના પ્રમુખ શ્રી ગોપાલાનંદ બાપુએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનું શાલ અને મોમેન્ટો આપીને સન્માન સ્વાગત કર્યું હતું.

૧૦૦થી વધું વર્ષની વયના સંત અને અનેક સેવા કાર્યો કરી સમાજ ઉત્કર્ષ તેમજ ખાસ કરીને શિક્ષણ માટે પ્રેરણાદાયી કાર્યો કરનાર મહંત શ્રી ગોપાલાનંદ બાપુના આર્શીવાદ લઇ મુખ્યમંત્રીશ્રીએ ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાત વેળાએ ચાપરડાના મહંત શ્રી મુકતાનંદ બાપુ, આપાગીગાના ઓટલાના શ્રી નરેન્દ્રબાપુ, જૂનાગઢના ધારાસભ્ય શ્રી ભીખાભાઇ જોશી તેમજ સંતો –મહંતો અને ભાવીકો ઉપસ્થિત રહયા હતા.

જુનાગઢના ગિરનાર પર્વતની તળેટીમાં શ્રી ગોરક્ષનાથ આશ્રમના નવા બંધાયેલા ભોજનાલયનો આજે શિવરાત્રી મેળાની મુલાકાત દરમિયાન રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે શુભારંભ કરાયો હતો.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગિરનાર તીર્થ ક્ષેત્રના દર્શનાર્થે તેમજ દેવદિવાળીના પરિક્રમા તથા શિવરાત્રી મેળાના ધાર્મિક મેળાના પાંચ દિવસ દરમિયાન આપતા યાત્રીકો અને ભાવિકો-સાધુ-સંતો માટે ૨૪ કલાક ચલાવાતા ભોજન-પ્રસાદ માટે અન્નક્ષેત્રની તેમજ નિવાસ સુવિધાની માનવીય સેવાની સરાહના કરી હતી.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનું સંસ્થાના મહંત પીર યોગી શ્રી શેરનાથ બાપુએ સ્વાગત કરીને ધાર્મિક સંસ્થા દ્વારા ચલાવાતી સેવાકીય પ્રવૃતિઓની વિગત આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, મહંત પીર યોગી શ્રી શેરનાથબાપુએ તેમના ગુરૂપીર યોગી શ્રી ત્રિલોકનાથજી બાપુની ગિરનાર તીર્થ ક્ષેત્રમાં શરૂ કરાવેલ અન્નક્ષેત્રની પ્રવૃતિ તેઓએ સતત ચાલુ રાખેલ છે. આ ધાર્મિક સંસ્થામાં ૨૪ કલાક અન્નક્ષેત્ર ચાલે છે. સામાન્ય દિવસોમાં દરરોજ ૪ થી ૫ હજાર લોકો અને પરિક્રમા તથા શિવરાત્રી મેળા દરમિયાન દરરોજ ૭૦ થી ૮૦ હજાર યાત્રીકો અન્ન-પ્રસાદનો લાભ મેળવે છે.મહાશિવરાત્રીના પર્વ દરમ્યાન ૨૫૦ જેટલા કાર્યકરોએ સેવા આપી હતી.

આ ભોજનાલયની સુવિધા સહિત બંધાતા ચાર માળની આ ઇમારતમાં અદ્યતન સુવિધા યુકત યાત્રી, સંતો, મહંતો માટે ૧૦૦ રૂમો સત્સંગ, ભોજનાલય માટે નાના-મોટા ૧૦ હોલ, રૂમોમાં એટેચ ટોયલેટ સુવિધા, વગેરેનો સમાવેશ થાય છે.

જુનાગઢ શહેરની બાજુમાં આવેલ અને અતિ પ્રાચીન અને આપણા સંતો-ભકતજનો સાક્ષાત શીવનું સ્વરૂપ મનાતા એવા હિમાલયના દાદા એવા ગિરનાર પર્વતની તળેટીમાં આવેલ પ્રાચીન પ્રસિદ્ઘ અને હિંદુ સમાજના અનન્ય આ સ્થાન ઉર્જાના કેન્દ્ર સમાન શ્રી ભવનાથ મહાદેવ મંદિરમાં  પવિત્ર પર્વ શિવરાત્રીના શુભ દિવસે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી પૂજા-અર્ચના-દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

પૌરાણિક સમયથી ભજન, ભોજન અને ભકિતના સમન્વય સમાન પાંચ દિવસના આ શિવરાત્રીના મેળામાં અંતિમ દિવસે મુખ્વમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ધાર્મિક મેળાની મુલાકાત લઇને સેવાકીય પ્રવૃતિ ચલાવતા ૧૫૦ થી વધુ અન્નક્ષેત્રો, ઉતારા, સેવા કેન્દ્રોની પ્રેરણાદાયક માનવ સેવાની વિવિધ પ્રવૃતિઓને પણ બિરદાવી હતી.

મેળામાં વિવિધ અખાડા-સંસ્થાઓ આયોજિત સાધુ, સંતો, નાગા બાવાઓની નીકળતી રવાડી પણ નિકળી હતી.

મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ શ્રી ભવનાથ મહાદેવના દર્શન કર્યા બાદ બાજુમાં આવેલ પૌરાણિક મહત્વ ધરાવતા મૃગીકુંડની દર્શનાર્થે મુલાકાત લીધી હતી.

જૂનાગઢના ભવનાથના મહાશિવરાત્રીના મેળામાં આવેલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભવનાથ તરફ જતી વખતે ૧૦૮ એમ્બ્યુલન્સ નિકળતા મુખ્યમંત્રીશ્રીએ સંવેદના દાખવીને તેમનો કાફલો રોકાવી સૌ પ્રથમ ૧૦૮ના વાહનને જવા દેવા સુચના આપી હતી.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જુનાગઢના મહાશિવરાત્રીના મેળામાં પ્રથમ વખત દિગમ્બર સાધુઓની રવેડીના દર્શન કર્યા હતા. શિવજીની આરાધનાના ભકિતમય મેળામાં રવેડીના દર્શન કરનારા શ્રી વિજયભાઇ રૂપાણી પ્રથમ મુખ્યમંત્રી છે.

ગિરનારની તળેટીમાં યોજાતા પાંચ દિવસના મેળામાં મુખ્ય આકર્ષણ દિગમ્બર સાધુઓની રવેડી છે. રવેડીમાં ત્રણેય અખાડા શ્રી પંચનામ જૂના અખાડા, આહવાન અખાડા અને અગ્નિ અખાડાના સાધુ-સંતો ધર્મ ધ્વજા અને અધિષ્ઠાતા દેવની પાલખી સાથે નિકળે છે.

શંખનાદ અને સંગીતની સુરાવલી સાથે નિકળેલી નાગા સાધુની રવેડીના દર્શન મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ કર્યા હતા. સાધુ-સંતોએ પુષ્પવર્ષા કરીને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને આશીર્વાદ આપ્યા હતા.

ભવનાથના ભકિતમય મેળામાં શિવની આરાધના સાથે યોજાતા મેળામાં રવેડીના દર્શન કરવા માટે લાખો ભાવીકો ઉમટી પડે છે. આ એક લ્હાવો છે, જેનો લાભ મુખ્યમંત્રીએ લઇ ધન્યતા અનુભવી હતી.      

રવેડીના દર્શન વેળાએ કૃષિ મંત્રી શ્રી આર.સી.ફળદુ,પુર્વ મંત્રી શ્રી ગોરધનભાઇ ઝડફીયા, શ્રીમતી અંજલીબેન રૂપાણી,મેયર શ્રીમતી આધ્યશકિત બેન, ડેપ્યુટી મેયર શ્રી ગીરીશભાઇ કોટેચા તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા

જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તા તેમજ એસ.પી. શ્રી નિલેષ જાજડીયા અને મહાનગર પાલિકાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહયા હતા. જિલ્લા પોલીસના જવાનોએ ભાવિકોને અગવડતા ન પડે તે રીતે બંદોબસ્તની કામગીરી કરી હતી.

(4:28 pm IST)
  • હવે બેન્કો ડિફોલ્ટર્સની સાપ્તાહિક ધોરણે જાહેરાત કરશે, ૨૩ ફેબ્રુઆરીથી આરંભ : રિઝર્વ બેન્કે નવી સ્ટ્રેસ્ડ એસેટ્સ ફ્રેમવર્કમાં સુધારો કર્યો : SMA તરીકે વર્ગીકૃત્ત જેમાં રૂ. ૫ કરોડ કે તેનાથી વધુ રોકાણ ધરાવતી કંપનીઓનો સમાવેશ થતો હોય તેની ધિરાણ માહિતીનો અહેવાલ CRILCને સોંપવામાં આવશે access_time 9:38 am IST

  • IPL 11ની મેચોનું ટાઈમ ટેબલ જાહેર : 51 દિવસ ચાલશે મેચો : રોહિત અને ધોની વચ્ચે પહેલી ફાઈટ : BCCIએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 11મી સીઝનના મેચ શિડ્યુલની જાહેરાત બુધવારના રોજ કરી. 51 દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટની શરૂઆત 7 એપ્રિલ 2018ના રોજ થશે. સીઝનની પહેલી મેચ હાલની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સ અને બે વખત ચેમ્પિયન રહેલી ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુંબઇના વાનખેડે સ્ટેડિયમાં રમાશે. access_time 1:12 am IST

  • ઈઝરાયલી વડાપ્રધાન નેતન્યાહુ વિરૂધ્ધ લાંચ લેવા અને છેતરપીંડીનો કેસ ચલાવવા ભલામણ : ઈઝરાયલી પોલીસે ૧૪ મહિનાની તપાસ બાદ વડાપ્રધાન બેંજામીન નેતન્યાહુ વિરૂધ્ધ લાંચ લેવી, છેતરપીંડી અને વિશ્વાસઘાતના આરોપો મૂકી કેસ ચલાવવાની ભલામણ કરી : પોલીસ અનુસાર, તેના પાસે નેતન્યાહુ વિરૂધ્ધ આ આરોપો સંબંધી બે ઘટનાના યોગ્ય સબૂત છે : નેતન્યાહુ ઉપર કેસ ચલાવવો કે નહીં તેનો નિર્ણય અટૉર્ની જનરલ કરશે access_time 11:31 am IST