Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

તળાજા ચૂંટણી જંગના ખેલાવવા માંડયા વરવા ખેલઃ બેનરો ફાડયાની રાવ

બે દિવસ પહેલા મતભેદ સર્જાયા હતા ત્યાં વોર્ડ ૪ ના અપક્ષ ઉમેદવારે કરી ફરીયાદઃ ભાજપે રાજપના મંત્રી, જીલ્લાના આગેવાનોને ઉતાયો મેદાને

તળાજા તા. ૧૪ :.. તળાજા નગરપાલીકાના મતદારો સ્વંયવરમાં ઉમેદવારોને ચૂંટી કાઢે તે પહેલા પ્રામાણીક પણે ચૂંટણી જંગ ખેલવાના બદલે વરવા ખેલ ખેલાવા માંડયા છે.

પ્રતિષ્ઠાના જંગ સમી બનેલ તળાજા નગરપાલીકાની ચૂંટણીમાં મતદાનના આડા હવે ત્રણ દિવસ બાકી છે. ઉમેદવારો ઘેર ઘેર જઇ પોતાના સમર્થનમાં મત માગી રહ્યા છે. પ્રચાર અર્થે ઠેર ઠેર પ્રચાર સાહીત્યો લગાવવામાં આવ્યા છે. ચૂંટણી પ્રચાર પરાકાષ્ઠા એ છે ત્યારે ખેલદિલી પૂર્વક ચૂંટણી જંગ ખેલવાના બદલે પ્રચાર સાહીત્યને નુકશાન પહોંચાડવાની વાતે ચકચાર જગાવી છે.

બે દિવસ પહેલા પાવડી રોડ પર પ્રચાર સાહીત્યને નુકશાન કર્યાની વાતે મતભેદ સર્જાયા હતાં. ત્યાં આજે વોર્ડ નં. ૪ ના અપક્ષ ઉમેદવાર ચૂડાસમા અરવિંદભાઇએ ચૂંટણી અધિકારીને ચૂંટણી પ્રચાર માટે લગાવાયેલ જાહેરમાં બેનરો ફાડી નાખ્યાની ફરીયાદ કરી યોગ્ય પગલા લેવા અરજ કરી છે.

તળાજા ન.પા.ની સત્તા ભાજપના હાથમાં જ રહે તે માટે રાજયકક્ષાના મંત્રી વિભાવરીબેન દવે ને પણ ફરજ સોંપવામાં આવી છે. રાજય અને જીલ્લા કક્ષાના આગેવાનોને  ભાજપ દ્વારા મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

પ્રદેશ અને જીલ્લા કક્ષાના નેતાઓ તળાજામાં ચૂંટણી કામ અથે તળાજામાં આવતા હોઇ નારાજ કાર્યકર્તાઓ, સમાજના આગેવાનોને ના છૂટકે 'હઇશો', 'હેઇશો' કરવુ પડતુ હોવાની વાત ચર્ચાનો વિષય બની છે.

(11:29 am IST)