Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

પુત્રીઓની નિઃશ્વાર્થ સમર્પણ ભાવનાની તોલે કંઇ ન આવી શકેઃ સ્વામી ધર્મબંધુજી

જોડીયા આહિર સમાજ દ્વારા કોયલીમાં સમુહ લગ્નોત્સવ સંપન્ન

આમરણ તા. ૧૪ :.. જોડીયા તાલુકા આહિર સમાજ સમુહલગ્ન સમિતિના ઉપક્રમે કોયલી મુકામે દસમો સમુહ લગ્નોત્સવ ધામધુમ પૂર્વક સંપન્ન થયો હતો. આ પ્રસંગે ર૮ યુગલો પ્રભુતામાં પગલા પાડી લગ્નગ્રંથીથી જોડાયા હતાં.

અધ્યક્ષ સ્થાને ભીખુભાઇ વારોતરિયા (ઉપપ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ) તથા મુખ્ય મહેમાનપદે સ્વામી ધર્મબંધુજી મહારાજ (પ્રાંસલા) સાંસદ પુનમબેન માડમ, ધારાસભ્ય અમરીશભાઇ ડેર (રાજુલા) વગેરેએ હાજરી આપી હતી.

જોડીયા તાલુકા આહિર સમાજ પ્રમુખ રાણાભાઇ હુંબલ, જોડીયા તા. પં. પ્રમુખ અને સમુહલગ્ન સમિતિ અધ્યક્ષ જીવણભાઇ કુંભરવાડીયાએ મહેમાનોનું ફુલહાર અને શાલ ઓઢાડી સ્વાગત કર્યુ હતું. આ પ્રસંગે રકતદાન કેમ્પ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

દાતાઓ અને સમાજના નવનિયુકત અધિકારીઓનું જાહેર સન્માન કરાયું હતું. આ તકે ૧૧પ યુવાનોના રકતદાન થકી ધારાસભ્ય અમરીશભાઇ ડેરની રકતતુલા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં આહિર પરિવારોએ ઉપસ્થિત રહી આ લગ્નોત્સવને માણ્યો હતો.

આ પ્રસંગે કાર્યક્રમનું સ્વામી ધર્મબંધુજી મહારાજ અને આગેવાનોના હસ્તે દીપ પ્રાગટયવિધી કરવામાં આવી હતી. સ્વામી ધર્મબંધુજીએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, સ્ત્રી સમાજની સંચાલિકા છે. દીકરીઓની નિઃસ્વાર્થ સમર્પણની ભાવનાને કોઇ આંબી શકે નહિં. પ કરોડ ખર્ચવાથી પણ કયારેય પિતાનું નામ બદલી ન શકાય. પરંતુ આજે પારકે ઘરે જતી દીકરીના નામની પાછળ હવે પિતાને બદલે પતિનું નામ લાગશે.

અધ્યક્ષ સ્થાનેથી ભીખુભાઇ વારોતરિયાએ ભાવિ પેઢીને શિક્ષણના માધ્યમથી આગળ વધી, બરબાદીનો તરતા વ્યસનોને ત્યાગી સંગઠીત બનવા અને કન્યા કેળવણીનો વ્યાપ વધારવા જાગૃત થવા અપીલ કરી હતી.

સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું કે, સમાજ સંગઠન વિના પ્રગતિ શકય નથી. ગત સમુહલગ્ન જેવા માધ્યમોથી સમસ્ત સમાજ જોડાય છે. તેમ જણાવેલ છે.

ડેપ્યુટી કલેકટર જયશ્રીબેન જરૂ કુંભરવાડીયાએ સમાજને વ્યસન મુકત બની શિક્ષણના માધ્યમથી સંપ સંગઠન અને સહકારની ભાવના પ્રબળ બનાવવા અનુરોધ કર્યો હતો. જોડીયા તાલુકા આહિર સમાજ પ્રમુખ રાણાભાઇ હુંબલ તથા સમુહલગ્ન સમિતિ અધ્યક્ષ જીવણભાઇ કુંભરવાડીયાની આગેવાની હેઠળ યુવાનોએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોહનભાઇ જીલરીયા તથા નરસંગભાઇ હુંબલે કર્યુ હતું.

(11:25 am IST)