Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

સિહોરમાં આદિચ્ય સહસ્ત્ર સાડા ચારસો બ્રાહ્મણ જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા સમૂહલગ્ન-જનોઈ કાર્યક્રમ

રાજકોટ :. આદીચ્ય સહસ્ત્ર સાડા ચારસો જ્ઞાતિ ટ્રસ્ટ સિહોર દ્વારા ચતુર્થ સમૂહલગ્ન તથા જનોઈ કાર્યક્રમ યોજાયો હતો. સિહોર જ્ઞાતિના કાર્યક્રમમાં ૭ દિકરીના લગ્ન તથા ૩ બટુકને જનોઈ સાથેના બે દિવસના પ્રોગ્રામમાં બ્રહ્મસંગમ તથા માનવ મહેરામણ ઉમટી પડયો હતો. સમગ્ર કાર્યક્રમમાં પ્રથમ દિવસે મંડપ મુહુર્ત, પસ પીઠી તથા ભોજન અને રાસ યોજાયેલ. બીજા દિવસે ૭ દીકરીઓની જાન ટાઉન હોલ ખાતે બેન્ડ અને ડીજેના તાલ સાથે વરઘોડો લઈ આવી હતી. જેને મંડપ પક્ષ દ્વારા સ્વાગત કરી લગ્ન મંડપમાં પહોંચી હતી. બીજી બાજુ પ્રખર વિદ્વાન પ્રદીપભાઈ શાસ્ત્રી દ્વારા ત્રણેય બટુકોને બ્રહ્મણત્વ ધારણ કરવા વિધિ કરવી જનોઈ ધારણ કરાવી હતી. લગ્ન મંડપમાં અગ્નિની સાક્ષીએ વરકન્યા મંગળ ફેરા ફરી રહ્યા હતા ત્યારે સિહોર જ્ઞાતિ પ્રમુખ અજયભાઈ શુકલ દ્વારા દાતાઓના જ હાથે કન્યાઓને સોના-ચાંદીના ઝવેરાત અપાયા હતા. સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી તથા ભાગવત કથાકાર મહેશભાઈ શાસ્ત્રી દ્વારા આશિર્વચન પાઠવાયેલ. અમરેલી, સુરત, અમદાવાદ, ભાવનગર અને વડોદરા સહિત જ્ઞાતિ મંડળો તથા મહામંડળના કાર્યવાહકો ઉપસ્થિત રહી સિહોર જ્ઞાતિને હું ફ આપી ખભેખભો મિલાવી આગામી સમયમાં કાર્યો કરવાની હાકલ કરી હતી. આ સમૂહલગ્નમાં ૧૧૫ આઈટમ સાથેના કરીયાવરના સેટ તથા બટુકની ૧૫ આઈટમો લોકોને જોવા ખાસ મંડપ રખાયો હતો. તમામ દીકરીઓ માટે સિહોરની વૈભવી હોટલ વિજય પેલેસમાં ઉતારાઓ અપાયા હતા. સિકયુરીટી ગાર્ડ તથા ડ્રોન કેમેરાની મદદથી સિકયુરીટી સાથે મંડપ સ્થળ બનાવાયુ હતું.

(11:19 am IST)