Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

ગીર સોમનાથ જિલ્લાના સીમાસી ગામની સીમમાંથી વધુ એક દિપડો પાંજરે પુરાયોઃ ૩ દિવસમાં જુદા-જુદા ત્રણ વિસ્‍તારમાંથી આતંક મચાવનારા દિડા પાંજરે પુરાયા

સોમનાથ :ગીર-સોમનાથના લોકોને હવે ધીરે ધીરે દીપડાના આતંકમાંથી મુક્તિ મળી રહી છે. ત્યારે ગીર સોમનાથના ઉના નજીક સીમાસી ગામની સીમમાંથી વધુ એક દીપડો પાંજરે પુરાયો છે. વનવિભાગે દીપડાને જામવાળા એનિમલ કેર સેન્ટરમાં ખસેડ્યો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ દિવસમાં જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી ત્રણ જેટલા દીપડા પાંજરે પૂરાયા છે. જેને પગલે લોકો અને સ્થાનિક તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. બગસરા પંથકમાં 7 વર્ષના માનવભક્ષી દીપડાને ઠાર મરાયો હતો. આ દીપડાનું પીએમ જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે પીએમ કરી અગ્નિદાહ દેવામાં આવ્યો હતો.

પાંજરાને બદલે વન કર્મીના ઘરે પહોંચ્યો દીપડો

ગીર-સોમનાથમાં દીપડાને પકડવા માટે વનવિભાગની ટીમ છેલ્લાં સાત દિવસથી કામે લાગેલી છે. તેના માટે વિવિધ લોકેશન પર 30 થી વધુ પાંજરા લગાવાયા છે. ત્યારે ઉનાના વિદ્યાનગરમાં વનકર્મીના ઘરમાં જ દીપડો ઘૂસી ગયો હતો. ગઈકાલે રાત્રે 3 વાગ્યા આસપાસ 108ની ટીમે દીપડાને ઘરમાં ઘૂસતા જોયો હતો. ઉનાના પોશ વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી સ્થાનિકોમાં દહેશત ફેલાઈ હતી. ત્યારે તાત્કાલિક 108 દ્વારા પોલીસ બોલાવાઈ હતી. જોકે દીપડો લોકોને જોઈને ભાગી છૂટ્યો હતો.

ગીર સોમનાથમાં ઠેકઠેકાણે દીપડાના આંટાફેરા વધી ગયા છે. ઉનાના રામ નગર ખારા વિસ્તારોમાં દીપડા-દીપડીના આંટા ફેરા જોવા મળ્યા હતા. રામનગર ખારા વિસ્તારોના રહીશોને વહેલી સવારે દીપડો દેખાતા તેઓમાં દહેશત ફેલાઈ છે. બે દીવસ પહેલાં દીપડા-દીપડીએ ડુક્કરનો શિકાર કર્યો હતો. ત્યારે હવે શહેર તરફ પણ દીપડાઓના આંટાફેરા વધી ગયા છે.

બે દિવસ પહેલા અમરેલીનાં વન વિભાગ દ્વારા માનવભક્ષી દીપડાને ઠાર મારવામાં આવ્યો હતો. શૂટર્સ દ્વારા દીપડાને ઠાર મારવામાં આવ્યા છે. અમરેલીનાં વિસાવદર પાસે માનવભક્ષી બની ગયેલા દીપડાને વન વિભાગ દ્વારા ઠાર મારવામાં આવ્યો છે. વન વિભાગ દ્વારા અનેક ધમપછાડાઓ બાદ આખરે દીપડા અંગે પાકી માહિતી મળ્યા બાદ વન વિભાગે શુટર્સને સાથે રાખીને કાર્યવાહી હાથ ધરી હતી.

(5:20 pm IST)