Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

બગસરા પંથકમાં વનવિભાગની ટીમ ગ્રામ્ય વિસ્તારો દિપડાને ઝડપી લેવા ખુંદે છે તો દિપડાઓ પણ કરે છે ભાગમભાગી

અમરેલી તા.૩૧ : બગસરા તાલુકામાં છેલ્લા એક અઠવાડીયાથી હાહાકાર મચાવી અને ભયનો માહોલ સર્જનાર દિપડાને ગઇકાલે સાંજના ગૌશાળા  નજીક વનવિભાગના શુટરો દ્વારા ઠાર કરવામાં આવ્યો હતો. વનખાતા દ્વારા આ દિપડાનું પોસ્ટમોટમ કરવામાં આવ્યું હતું તે પહેલા વનવિભાગના અધિકારીઓ દ્વારા દિપડાનાવાળના તેમજ પગના નિશાનના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે આજથી એક સપ્તાહ પહેલા મુંજીયાસરમાં ખેુત ઉપર હુમલો કરી અને મૃત્યુ નીપજાવનાર આ માનવભક્ષી દિપડાના ગઇકાલે ઠાર રવામાં આવ્યો અને આ દિપડાનાં વાળનાં નમુના તથા  પગનાં પંજાના નિશાન વનવિભાગ દ્વારા લેવામાં આવ્યા હતા અને આ નિશાનને મુંજીયાસરમાં એક સપ્તાહ પહેલા ખેડુત ઉપર હુમલો કરનાર દિપડાના પગના નિશાન સાથે ચકાસણી કરવામાં આવતા આ નિશાનો બગસરામાં ઠાર કરાયેલ દિપડાના નિશાન સાથે મેચ કરવામાં આવતા બંને નિશાનો મેચ થતા ખરેખર આ માનવભક્ષી જ દિપડો હોવાનું અમરેલી જિલ્લા કલેકટરે જણાવ્યું હતું.

બગસરા પંથકમાં છેલ્લા એક અઠવાડીયાથી દિપડાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે વનવિભાગ દ્વારા આવા દિપડાઓને પકડી પાડવા માટે ૮૦થી વધુ કર્મચારીઓની ફોજ ઉતારતા આ દિપડાઓ પોતાના સ્વ બચાવ માટે ભાગી રહયા છે. વનવિભાગનાં અધિકારીઓ દ્વારા દિપડાઓને પકડી લેવા માટે ફોેરેસ્ટ ઓફિસર, ટ્રેક ગાર્ડ, શુટરો સહિતનો કાફલો.

માંગવાપાળમાં ખોદયો ડુંગરને નીકળ્યો ઉંદર

અમરેલી : બગસરા પંથકમાં છેલ્લા ૮ દિવસથી આ વિસ્તારમાં દિપડાએ આતંક મચાવ્યો હોય તેમ પશુઓ તેમજ માનવીઓ ઉપર હુમલાના બનાવો સતત વધતા જતા હોય વન વિભાગ દ્વારા ગઇકાલે સાંજના સમયે બગસરા નજીક આવેલ ગૌશાળા નજીકથી દિપડાને ઠાર મારી દેવામાં આવ્યો હતો અને વનવિભાગ દ્વારા ગઇકાલથી અમરેલીમાં આવેલ બહુમાળી ભવન વન્યપ્રાણી દિપડા અંગે ખાસ ર૪ કલાકનો કંટ્રોલરૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે. જેમાં ગઇકાલથી આજ સાંજ સુધીમાં ત્રણ જેટલી ફરીયાદો વિવિધ ગામોમાંથી દિપડો દેખાયો હોવાની નોંધાઇ હતી. જેમાં એક ફરિયાદમાં તો ખોદયો ડુંગર અને નીકળ્યો ઉંદર જેવો ઘાટ થયો હતો. વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી અંગે શરૂ કરાયેલ કંટ્રોલરૂમમાં માંગવાપાળમાં આવેલ આદર્શ નિવાસી શાળાની દિવાલ ઉપર દિપડો બેઠો હોવાની ફરિયાદ શાળાના આચાર્યએ  કંટ્રોલરૂમમાં નોંધાવતા વન વિભાગનાં અધિકારીઓએ આજે ઘટના સ્થળે જઇ અને શાળાનાં આચાર્યને સાથે રાખી દિવાલ પર બેસેલા દિપડાની જગ્યાએ લઇ ગયા હતા. પરંતુ વનવિભાગના કર્મચારીઓને દિવાલ ઉપર દિપડાનાં બદલે કુતરાના પગલાના સગડ જોવા મળ્યા હતા. આમ ફરીયાદમાં ખોદયો ડુંગર અને નીકળ્યો ઉંદર જેવો તાલ સર્જાયો હતો. આ ઉપરાંત શાળામા આજે રાત્રે બે જેટલા વન ખાતાના કર્મચારીઓને ડયુટી સોંપી દેવામાં આવી છે. આ ઉપરાંત જુના સમઢીયાળાનાં ઘનશ્યામભાઇ દેવમુરારીએ કંટ્રોલરૂમને ફોન કરીને અવું જણાવેલ કે રસ્તા ઉપર એક માણસને દિપડાએ ઇજા કરી છે. આવી જ રીતે જુના જાંજરીયા ગામની સીમવાડી વિસ્તારમાં મધુભાઇની વાડીમાં દિપડો દેખાયો હોવાની ફરિયાદ આ વિસ્તારના ભાજપના મહિલા કાર્યકર સુનીતાબેને કંટ્રોલરૂમમાં ફરિયાદ નોંધાવી હતી. આ બંને ફરિયાદોના આધારે વન વિભાગના કર્મચારીઓ દિપડાના સગડ મેળવવા મથામણ કરી રહયા છે. અમરેલી બહુમાળી ભવન ખાતે આવેલ વનવિભાગની કચેરી ખાતે શરૂ કરવામાં આવેલ કંટ્રોલરૂમનાં નંબર ૯૯રપ૧ ૭૯૮ર૭, ૦ર૭૯ર રરર૬૦૩ ઉપર દિપડાને લગતી ફરીયાદ અથવા તો જાણ કરી દેવી.

(3:28 pm IST)