Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

ખંભાળીયા સિવિલ હોસ્પિટલમાં ગર્ભાશયની કોથળીનું ઓપરેશન માત્ર રૂ. પ માં થયુ

ખંભાળીયા તા. ૧૩ :.. ખંભાળીયા સીવીલ હોસ્પીટલમાં ગાયનેક તબીબોની ટીમે લે-પ્રોસ્કોપી મશીનથી સૌ પ્રથમ મહિલાનું કોથળીનું સફળતા પુર્વક ઓપરેશન કરતાં દર્દીના પરિવારજનોએ તબીબ ટીમનો આભાર વ્યકત કર્યો હતો.

સરકારી હોસ્પીટલમાં મોટાભાગે સામાન્ય વર્ગ જતો હોય છે. અને તેને આરોગ્ય સેવા બાબતે અનેક કળવા અનુભવો થતા હોવાથી દર્દીઓ ખાનગી હોસ્પીટલમાં સારવાર મેળવે છે. ત્યારે ખંભાળીયાની સીવીલ હોસ્પીટલમાં ગાયનેક તબીબની નિમણુંક થયા બાદ જિલ્લાના દર્દીઓ સીવીલમાં પ્રસુતિ સહિત મહિલાઓને લગતી સારવાર માટે અહીં મોટી સંખ્યામાં આવતા થયા છે. તાલુકાના વિરમદળ ગામે રહેતી મહિલાને ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કરાવવાનું હોવાથી તે અહી હોસ્પીટલ ખાતે ગાયનેક વિભાગમાં બતાવવા માટે આવ્યા હતાં. ફરજ પરના ગાયનેક ડોકટર ભરત ગઢવી દ્વારા તપાસણી કરવામાં આવી હતી. અને તેને ઓપરેશન કરાવવા માટે જણાવ્યું હતું. આ ઓપરેશન અહીં સીવીલ હોસ્પીટલમાં તાજેતરમાં જ આવેલા આધુનિક લે-પ્રોસ્કોપી મશીનથી કોઇ મોટા ખર્ચા વગર જ કરી આપવામાં આવશે તેમ જણાવતાં મહિલા દર્દીએ ઓપરેશન માટેની તૈયારી દર્શાવતા તેણીનું ઓપરેશન ગત મંગળવારના રોજ લે-પ્રોસ્કોપી મશીનથી ગાયનેક તબીબ ડો. ભરત ગઢવી, ડો. કેતન જોશી અને ડો. અબ્દુલ સૈયદની સંયુકત દેખરેખ હેઠળ સફળતાપુર્વક કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ દર્દીઓ મહિલાના પરિવારજનોએ તબીબ ટીમનો આભાર વ્યકત કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, મહિલા દર્દીઓને ખોટી હાલાકી ભોગવવી ના પડે તે માટે લે-પ્રોસ્કોપી મશીન ગાયનેક ડો. ભરત ગઢવીએ પોતાના ખર્ચે હોસ્પીટલમાં વિકસાવેલું છે.

લે-પ્રોસ્કોપી મશીનથી ગર્ભાશયની કોથળીનું ઓપરેશન સામાન્ય રીતે ખંભાળીયા, જામનગરની ખાનગી હોસ્પીટલમાં ર૦ થી ૪૦ હજારમાં જયારે મેટ્રોસીટીમાં રૂ. પ૦ થી ૬૦ હજાાર સુધીમાં કરી દર્દીઓના ખીસ્સા ખંખેરવામાં આવે છે ત્યારે સીવીલમાં ગરીબ પરિવારને માત્ર કેસ ફી ના રૂ. પ ભરી આ સફળ ઓપરેશન કરી આપવામાં આવ્યું હતું.

(1:08 pm IST)