Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

કુવાડવા ઝોન હેઠળ પીવાના પાણીની સમસ્યાઓ દુર કરવા કુંવરજીભાઇની તાકીદ

૪૭ જેટલા ગામના સરપંચો-આગેવાનો સાથે રૂબરૂ મુલાકાત

આટકોટ તા.૧૩: પાણી પુરવઠા અને પશુપાલન વિભાગના કેબીનેટ મંત્રી કંુવરજીભાઇ બાવળીયા સમક્ષ અવારનવાર કુવાડવા ઝોન હેઠળના ગામડાઓમાં પીવાના પાણીની રજુઆતો આવતી હતી જેને ધ્યાને રાખી તા.૧૨-૧-૨૦૧૯ના રોજ બપોરે ૩ કલાકે આ ૪૭ ગામોનાં આગેવાનો, સરપંચશ્રીઓને બોલાવી પાણી પુરવઠા વિભાગના અધિકારીશ્રીઓ સાથે એક રીવ્યુ મીટીંગનું આયોજન કરવામાં આવેલ.

આ મીટીગમાં આ વિસ્તારના આગેવાનો-સરપંચશ્રીઓએ પીવાનુ પાણી અપુરતુ, અનિયમિત મળવા અને અધિકારીશ્રીઓ ગાંઠતા ન હોવાની પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા સમક્ષ રજુઆતો કરેલ જેને ધ્યાને લઇ પીવાના પાણી અંગેની મુશ્કેલી અંગે તાત્કાલીક કાર્યવાહી કરવા અધિકારીશ્રીઓને તાકીદ કરેલ હતી.

સણોસરા હેડ વર્કસના ફીલ્ટર પ્લાન્ટની ક્ષમતા તાજેતરની વસ્તીને ધ્યાનમાં રાખતા ઓછી હોય, નવો ફીલ્ટર પ્લાન્ટ તેમજ સમ્પની ક્ષમતા વધારવાની કામગીરી ટેન્ડર પ્રક્રિયા હેઠળ હોય ટુંક જ સમયમાં પ્રક્રિયા પૂર્ણ થતાં કામગીરી શરૂ થશે અને આ વિસ્તારમાં પૂરતુ પાણી મળી રહેશે તે અંગે કેબીનેટ મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાએ આ વિસ્તારના આગેવાનોને ખાત્રી આપેલ હતી.

(11:57 am IST)