Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

જોડીયા દરિયાકાંઠે ભારે વરસાદમાં તૂટી ગયેલ પાળો ફરી બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત

પાળો તૂટી જતા ખેતીની જમીનમાં ખારા પાણી આવી જાય

જોડીયા તા.૧૩ : ઇ.સ.૧૯૦૫માં રાજાશાહી વખતમાં જોડીયા તાલુકાના બાલાચડીથી ઝીંઝુડા સુધી રેકલે મેશનનો  પાળો બાંધવામાં આવેલ હતો જે પાળો અતિ વરસાદમાં આવેલ પુરના કારણે ઘણી જગ્યાએ તૂટી ગયેલ છે. જેવા કે જામસર ગામે ૮ નંબરના કોઝવે પાસે આશરે ૧૦૦ ફુટ જેટલો પાળો તૂટી ગયેલ છે. આ પાળો બાંધવવા અનેક વખત લેખીત તથા મૌખિક તેમજ ગ્રામસભામાં પણ રજૂઆત કરવા છતા તથા તાલુકાના અધિકારીશ્રીઓને રજૂઆત કરાઇ હતી પરંતુ કોઇપણ બાબતે ધ્યાન અપાયુ નથી.

રેકલેમેશનના આ તૂટેલા પાળાના કારણે જોડીયા તાલુકાના જામસર, રણજીતપરા, માણામોરા, ભીમકરા, રામપર બે જેવા ગામોના ખેડૂતોની હજારો એકર ખેડવાણ જમીનમાં દરિયાનુ ખારૂ પાણી ફરી ગયેલ છે અને આ જમીન હાલ દરિયાઇ પટમાં ફેરવાઇ ગયેલ છે અને દરિયાનો ખારો પટ આગળ વધતો જ રહે છે જો આ રેકલેમશનનો પાળો તાત્કાલીક અસરથી રીપેર નહી કરાઇ તો જોડીયા તાલુકાના ખેડૂતો પાયમાલ થઇ જશે અને તેમની રોજીરોટી છીનવાઇ જશે.

આ અંગેની રજૂઆત જોડીયાના યુવા અગ્રણીય અને શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જોડીયાના ડાયરેકટર ચિરાગભાઇ વાંકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને કરેલ છે. જેની નકલ જામનગરના સાંસદ સભ્ય પૂનમબેન માડમ, સૌરભભાઇ પટેલ (પ્રભારી મંત્રી જામનગર), ધર્મેન્દ્રસિંહ જાડેજા (રાજય કક્ષા મંત્રી ગુજરાત રાજય), કલેકટર શ્રી કલેકટર કચેરી જામનગર, જિલ્લા વિકાસ અધિકારી (જી.પં. જામનગર) રાઘવજીભાઇ પટેલ (૭૭ જામનગર ગ્રામ્ય ધારાસભ્ય) પ્રવિણભાઇ મુસડીયા (ધારાસભ્ય શ્રી કાલાવડ) મેઘજીભાઇ ચાવડા પ્રાંત અધિકારી (પ્રાંત કચેરી ધ્રોલ) જામનગર (જોડીયા) જેઠાલાલ અઘેરા (જોડીયા તાલુકા ભાજપ) તાલુકા વિકાસ અધિકારી (તાપં જોડીયા) વગેરે મોકલી છે.

(11:51 am IST)