Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

ભાવનગરમાં અગાઉના ઝઘડાની દાઝ રાખી બે યુવાનોને તલવાર ઝીંકાતા બન્ને ગંભીર

ભાવનગર, તા., ૧૩: ભાવનગરમાં અગાઉ થયેલા ઝઘડાની દાઝ રાખી છ શખ્સોએ બે યુવાનો ઉપર તલવાર વડે હિચકારો હુમલો કરતા બન્ને યુવાનોને સારવાર માટે અમદાવાદ ખસેડાયેલ છે.

વિગતો મુજબ શહેરના માલધારી સોસાયટીમાં રહેતા કનુભાઇ બુધાભાઇ મેર (ઉ.વ.ર૭) અને લાલાભાઇ સુખાભાઇ ઉપર શહેરના શહેર ફરતી સડક દેવરાજનગર હનુમાનનગર પાસે છ શખ્સોએ તલવાર, ધોકા જેવા હથીયારો વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી નાસી છુટયા હતા બન્ને ઇજાગ્રસ્તોને સારવાર માટે પ્રથમ ભાવનગરની સર ટી હોસ્પીટલ અને ત્યાથી વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પીટલ ખસેડાયેલ છે.

આ બનાવ અંગે કાનાભાઇ ઘુઘાભાઇ મેર, જયવીરસિંહ ગુમાનસિંહ ગોહીલ, લાલા, જયલો મેેઘરાજસિંહ ગોહીલ અને બે અજાણ્યા શખ્સો સહીત કુલ છ શખ્સો સામે ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. અગાઉનાં ઝઘડાથી દાઝ રાખી આ હુમલો કરાયો હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

તળાવમાં ડુબી જતા મોત

સિંહોર તાલુકાનાં રામધરી ગામે રહેતા પ્રકાશભાઇ બાબુભાઇ સોલંકી (ઉ.વ.ર૮) ગામની સીમમાં આવેલ તળાવમાં મચ્છીમારી કરવા ગયા હતા ત્યારે અકસ્માતે તળાવમાં પડતા તેનું ઉંડા પાણીમાં ડુબી જતા મોત નિપજયું હતું

(11:38 am IST)