Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

ભાવનગરનો એન્જીનીયર યુવાન સંયમના માર્ગે ૨૯ મીએ દીક્ષાઃ આજે વિદ્યાનગરથી દાદાસાહેબ દેરાસર સુધી વર્ષીદાન યાત્રા યોજાશે

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૧૩: ભાવનગરનો જૈન યુવાન સંયમના માર્ગે પ્રયાણ કરશે. સુરતમાં સામુહિક દીક્ષા મહોત્સવમાં તેને ૨૯ મીએ દીક્ષા અપાશે. ભાવનગરમાં આજથી ત્રણ દિવસ જુદા જુદા કાર્યક્રમ તેમના પરિવાર દ્વારા આયોજીત થયા છે, જેમાં કાલે મુમુક્ષુ કરણકુમારનો વર્ષીદાન યાત્રા વિદ્યાનગરથી નીકળી દાદાસાહેબ દેરાસરે પહોંચશે. સુરત ખાતે આગામી તા.૨૯ નવેમ્બરના રોજ સામુહિક દીક્ષા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગે ઉચ્ચ શિક્ષિત અને સુખી સંપન્ન પરિવારોના ૭૪ મુમુક્ષુઓ એક સાથે એક જ વિશાળ મંડપમાં જૈનાચાર્યોની નિશ્રામાં દીક્ષા અંગીકાર કરશે. આ સામુહિક દિક્ષા મહોત્સવમાં ૩૫ યુવક અને ૩૭ યુવતીઓ દિક્ષા લેશે. આ દિક્ષાર્થીઓમાં સી.એ. , એમ.બી.એ., ડોકટર જેવી ઉચ્ચ ડિગ્રીઓ ધરાવે છે. આ દિક્ષામહોત્સવમાં ભાવનગર શહેરના વિદ્યાનગરના શાહ નવિનચંદ્ર અમૃતલાલ (કાળુભાઈ ગોળવાળા) પરિવારના પ્રથમ સીતારા સમાન મુમુક્ષુરત્ન કરણકુમાર પ્રવજયા ગ્રહણ કરશે. તેમણે એન્જીનીયરીંગનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. ભાવનગર ખાતે તા . ૧૨ થી ૨૨ નવેમ્બર દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં તા.૧૨ને શુક્રવારે સાધર્મિક ભકિત, તા.૧૩ને શનિવારે સવારે ૮ કલાકે વર્ષીદાન યાત્રા વિદ્યાનગર જિનાલયથી દાદાસાહેબ જિનાલય સુધી યોજાશે. તા.૧૪ ને રવિવારે સાંજે ૭ થી ૧૦ વરની વિદાય અંધ ઉદ્યોગશાળા, વિદ્યાનગર ખાતેથી થશે. તા.૨૨.૧૧ને સોમવારે સવારે ૭.૦૫ કલાકે અંતિમ ઓવારણા યોજાશે. ભાવનગર જૈન સંઘ દ્વારા મુમુક્ષુની ભૂરી ભૂરી અનુમોદના થઇ રહી છે.

(9:52 am IST)