Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

લાખાપર પાસે આખલા સાથે બાઇક અથડાતાં સામા કાંઠાના યુવાન મનિષ તન્નાનું મોતઃ મિત્ર છગનભાઇ સગરને ઇજા

યાર્ડના કર્મચારીઓ સરધાર ભરતભાઇ રૈયાણીને ત્યાં જમણવારમાં ગયા'તાઃ રાતે પરત આવતી વખતે બનાવઃ મૃતક યુવાન યાર્ડમાં તોલમાપનું કામ કરતાં હતાં: લોહાણા પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૩: ત્રંબાથી આગળ લાખાપર ગામના રઘુવીર ફાર્મ નજીક રાત્રીના દસેક વાગ્યે રોડ પર અચાનક ધસી આવેલા આખલા સાથે બાઇક અથડાતાં ચાલક સામા કાંઠાના લોહાણા યુવાનનું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા તેના મિત્ર સગર પ્રોૈઢનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો. બંને યાર્ડના કર્મચારી હોઇ યાર્ડના વેપારીએ સરધારમાં યોજેલા જમણવારમાં ગયા હતાં. ત્યાંથી પરત આવતી વખતે આ બનાવ બનતાં લોહાણા પરિવારમાં શોક છવાઇ ગયો છે.

જાણવા મળ્યા મુજબ સંત કબીર રોડ પર બાલકૃષ્ણ સોસાયટી-૨૭માં રહેતો મનિષભાઇ ભગવાનજીભાઇ તન્ના (ઉ.૩૫)  અને તેના મિત્ર છગનભાઇ મારકીભાઇ કીર (સગર) (ઉ.૫૦) બાઇક નં. જીજે૦૩એફએ-૩૪૦૫માં બેસીને સરધાર રહેતાં યાર્ડના વેપારી ભરતભાઇ રૈયાણીએ યોજેલા જમણવારમાં હાજરી આપવા ગયા હતાં. ત્યાંથી રાતે દસેક વાગ્યે પરત આવતા હતાં ત્યારે લાખાપર રઘુવીર ફાર્મ પાસે રોડ પર અચાનક આખલો આવી જતાં મનિષભાઇએ બેલેન્સ ગુમાવતાં આખલા સાથે બાઇક અથડાયું હતું. જેના કારણે તે અને પાછળ બેઠેલા છગનભાઇ ફંગોળાઇ ગયા હતાં.

જેમાં છગનભાઇનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો. જ્યારે બાઇક ચાલક મનિષભાઇનું માથા પાછળ ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં આજીડેમના પીએસઆઇ આર. વી. કડછા, આર. બી. વાઘેલા સહિતના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી અને છગનભાઇ કીરની ફરિયાદ પરથી મૃતક સામે ગુનો નોંધ્યો હતો.

મૃત્યુ પામનાર મનિષભાઇ ચાર ભાઇ અને એક બહેનમાં નાના તથા અપરિણિત હતાં. માર્કેટ યાર્ડમાં અનાજ-કઠોળના વેપારીને ત્યાં તોલમાપનું કામ કરતાં હતાં. તેના પિતા હયાત નથી. માતા અને ભાઇઓ સાથે તે રહેતાં હોવાનું મિત્ર છગનભાઇએ જણાવ્યું હતું. યુવાન દિકરાના અકાળે મૃત્યુને કારણે તન્ના પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. (૧૪.૫)

મનિષભાઇએ હેલ્મેટ નહોતું પહેર્યુઃ માથા પાછળની ઇજા જીવલેણ નિવડી

. અકસ્માતમાં માથામાં થતી ગંભીર ઇજાથી વાહન ચાલકો બચી શકે એ માટે હેલ્મેટનો કાયદો ફરજીયાત બનાવાયો છે. રાજકોટ શહેરમાં વાહનચાલકો આ કાયદો શહેરમાં નહિ પણ હાઇવે પર જરૂરી હોવાનો મત દર્શાવી રહ્યા છે. ત્યારે લાખાપર પાસે ગત રાતે સર્જાયેલા અકસ્માતમાં જીવ ગુમાવનાર મનિષભાઇ તન્ના નામના યુવાનનું મોત માથા પાછળ થયેલી ગંભીર ઇજાને કારણે થયું હતું. તેમની પાછળ બેઠેલા મિત્ર છગનભાઇના કહેવા મુજબ મનિષભાઇએ હેલ્મેટ પહેર્યુ નહોતું. જો કદાચ હેલ્મેટ હોત તો માથાની ઇજાથી બચી શકાયું હોત.

(12:02 pm IST)