Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

કાલાવડ-લોધીકા ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદઃ પાકને નુકશાન

મોડી રાત્રીના અને વહેલી સવારે ઠંડક બાદ આખો દિવસ ઉકળાટ સાથે મિશ્ર હવામાનનો માહોલ

તસ્વીરમાં કાલાવડના ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલ વરસાદ નજરે પડે છે.

રાજકોટ તા.૧૩: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર રૂતુના માહોલ સાથે કાલે રાત્રીના કાલાવડ અને લોધીકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયુ હતુ અને મગફળી,કપાસ, તલ સહિતના પાકને ભારે નુકશાન થયુ છે.

જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના કાલમેઘડા, ખરેડી, નિકાવા, મુળીયા ગામોમા તોફાની પવન સાથે ર થી ૩ ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબકયો હતો.

આ વરસાદના કારણે કપાસ,મગફળી,તલ સહિતના પાકને ભારે નુકશાન થતા ખેડૂતોના હાથમા આવેલ કોળીયો ઝૂંટવાઇ ગયો છે.

રાજકોટ જીલ્લાના લોધીકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડતા ખેડુતોની હાલત કફોડી બની ગઇ છે.

ગઇકાલે રાત્રીના રાજકોટ શહેરમા પણ ધોધમાર અડધો ઇંચ વરસાદ પડયો છે.

જયારે રાજકોટ-આટકોટ રોડ ઉપર રાજ સમઢીયાળા, રંગુન માતા મંદિર વચ્ચે કાલે રાત્રીના જોરદાર વરસાદી ઝાપટુ વરસ્યુ હતુ.

છેલ્લા થોડા દિવસોથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડકનો અનુભવ થાય છે અને સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ આખો દિવસ હુંફાળુ વાતાવરણ અનુભવાય છે.

(12:00 pm IST)