Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

સાબરમતીથી શરૂ પ્રાકૃતિક ચિકિત્સા આરોગ્ય યાત્રા ૧૮મીએ પોરબંદર કીર્તિમંદિરે પહોંચશે

ગાંધી સંદેશ સાથેની યાત્રા સૌરાષ્ટ્રના ભાવનગર-રાજકોટ-જામનગરમાંથી પસાર થશે

પોરબંદર, તા. ૧૩ : ગાંધી સંદેશ સાથે ગાંધી આશ્રમ સાબરમતી અમદાવાદથી કીર્તી મંદિર પોરબંદર સુધીની પ્રાકૃતિક ચિકિત્સા આરોગ્ય યાત્રાનું તા. ૧૮મી નવેમ્બરે પોરબંદરમાં પહોંચ અને સમાપન કાર્યક્રમ યોજાશે.

મહાત્મા ગાંધીજીએ નેચરોપથીની સ્થાપના ૧૮ નવેમ્બર ૧૯૪પમાં કરી હતી. આ દિવસને દેશભરમાં નેચરોપથી દિન તરીકે ઉજવવામાં આવે છે. આ દિનની સ્મૃતિમાં અને મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મ જયંતિ ઉજવણીના ભાગરૂપે ઇન્ટરનેશનલ નેચરોપથી ઓર્ગેનાઇઝર (આઇ.એન.ઓ.) ગુજરાત અને સૂર્યા ફાઉન્ડેશન તેમજ આરોગ્ય ભારતીય ગુજરાત દ્વારા ૧ર-૧૮-નવેમ્બર  'પ્રાકૃતિક ચિકિત્સા આરોગ્ય યાત્રા' (નેચરોપથી આરોગ્ય યાત્રા) યોજાયેલ જેનું સમાપન તા. ૧૮મીએ સોમવારે સાંજે ૪ કલાકે પોરબંદર કીર્તિ મંદિર ખાતે થશે.

પૂ. બાપુના જીવન મૂલ્યો, અહિંસા, સ્વચ્છતા અને નેચરોપથીના સંદેશો જન જન સુધી પ્રસરાવવા સાથે 'પ્રાકૃતિ તરફ પાછા વળો' એ સૂત્રને જાગૃત કરવા યોજાયેલી આ નેચરોપથી આરોગ્ય યાત્રાનું ગાંધી આશ્રમ સાબરમતી અમદાવાદ ખાતે ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતે બેન્ડ વાજાની સુરાવલી સાથે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવેલ હતું. આ યાત્રા ગુજરાતના ૧પ જિલ્લા આવરી લેવાશે, જેમાં અમદાવાદ,ગાંધીનગ, રધેજા, મનસા, મહેસાણા, પાટણ, દિશા , પાલનપુર, હિમ્મતનગર, ગોધરા, વડોદરા, ભાવનગર, રાજકોટ, જામનગર થઇ પોરબંદર ખાતે કીર્તિમંદિર ખાતે સમાપન થશે.

મહાત્મા ગાંધીજીના જન્મ દિન બીજી ઓકટોમ્બરના રોજ ઇન્ટરનેશનલ નેચરોપથી ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજિત નેચરોપથીના કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા રૂબરૂમાં નેચરોપથીના આ કાર્યક્રમમાં શુભેચ્છા પાઠવવામાં આવેલ છે.

પૂજય મહાત્માને પ્રિય નેચરોપથી યાત્રાના પોરબંદર ખાતે થનાર સમાપન કાર્યક્રમમાં જામનગરના અમરજીતસિંહ આહુવાલિયા અમદાવાદના ડો. હસમુખ શાહ, મોહનભાઇ પંચાલ સહિત અન્ય ગાંધીપ્રેમીઓ હાજરી આપશે.

પ્રાકૃતિક ચિકિત્સા આરોગ્ય યાત્રાના પોરબંદરના કો-ઓર્ડીનેટર શ્રી ડો. વજુભાઇ પરમાર સંવાહક અતુલભાઇ દવેએ સૌ ગાંધીપ્રેમી-નેચરોપથી ભાઇ-બહેનોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.

(11:42 am IST)