Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

વિમા કંપનીઓને તાળાબંધી કરાશેઃ પડધરીમાં હાર્દિક પટેલની ચેતવણી

પાક વિમા સહિતના પ્રશ્ને ખેડૂતોને હેરાનગતિ-જાગૃત થવુ જરૂરી... : એક દિવસના ખેડૂત સત્યાગ્રહ-પ્રતિક ઉપવાસમાં આગેવાનો,ખેડૂતો ઉમટયાઃ પોતાના વિસ્તારોમાં ભાજપના ધારાસભ્યોને પ્રવેશબંધી કરવા તૈયારી : ઉપલેટામાં હવે પછી પ્રતિક ઉપવાસ કરાશે

આજે પડધરીમાં હાર્દિક પટેલની અધ્યક્ષતામાં પ્રતિક ઉપવાસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ કગથરા સહિત ખેડૂત આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા જે તસ્વીરમાં નજરે પડે છે.

રાજકોટ તા.૧૨: કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલની અધ્યક્ષતામાં આજે પડધરીની વસુંધરા હોટલ,બાયપાસ રોડ ખાતે ખેડુત સત્યાગ્રહ-એક દિવસના પ્રતિક ઉપવાસનુ આયોજન કરવામાં આવ્યુ છે.

આજે સવારના ૧૦ વાગ્યાથી સાંજના ૫ વાગ્યા સુધી આયોજીત પ્રતિક ઉપવાસના પ્રારંભે હાર્દિક પટેલે જાહેરસભા સંબોધતા કહ્યુ કે, ખેડૂતોને પાક વિમો ન મળવાથી ભારે મુશ્કેલી અનુભવાઇ રહી છે જેથી પાક વિમા મુદ્દે ખેડૂતોને જાગૃત કરીને વિમા કંપીઓને તાળાબંધી કરવામાં આવશે.

હાર્દિક પટેલે જણાવ્યુ પાકવિમા સહિત ખેડૂતોના અણઉકેલ પ્રશ્ને માટે ગાંધીનગર સુધી ખેડૂતો દ્વારા રજુઆત કરવામાં આવશે.

તેમજ પાકવિમામા ભાજપ સરકાર દ્વારા અન્યાય કરાતા પોતપોતાના વિસ્તારોમા ભાજપના ધારાસભ્યોને પ્રવેશ બંધીની પણ તૈયારી કરાશે.

હાર્દિક પટેલે વધુમા જણાવ્યા કે આગામી ત્રણ-ચાર દિવસમાં ઉપલેટામાં પ્રતિક ઉપવાસ કરાશે અને આવી રીતે થોડા-થોડા દિવસોના અંતરે ઉપવાસ કરીને સરકારને જાગૃત કરવા વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમો અપાશે.

હાર્દિક પટેલે જણાવ્યુ હતુ કે આ વર્ષ વધુ વરસાદના લીધે ખેડૂતને પોતાના પાકમા થયેલ નુકશાન બાબતે ૭ દિવસમા પાક વિમાની જાહેરાત કરવામાં આવે અને ખેડુતનુ દેવુ માફ કરવામાં નહીં આવે તો હાર્દિક પટેલ પડધરી તાલુકાના ખેડુતોને સાથે લઇ પ્રતીક ઉપવાસ અને સરકાર સામે આંદોલનના મંડાણ કરશે. સરકારે ખેડુતોના એક પણ પ્રશ્નને વાચાના આપેલ હોવાથી પડધરી ખાતે હજારોની સંખ્યામાં ખેડુતો ઉમટી પડયા છે.

આ આંદોલન કરવા પાછળનું કારણ ખેડુતોને પોતાના પાકના મળતા અપુરતા ભાવ,બેંકોનું ઓરમાયુ વર્તન અને ઉત્પાદનમાં બગાડ, પાકવિમા સહિતના પ્રશ્ને ગુજરાતનો ખેડુત અકળાયો છે. ત્યારે ખેડુત પુત્ર હાર્દિક પટેલે ખેડુતોને ''દર્દ'' માંથી બહાર કાઢવાનું મન મનાવી લીધુ છે. અને સરકાર સામે સિંહની જેમ ત્રાડ નાખવાનું નક્કિ કરી લીધુ છે.

ખેડુતોને સંપુર્ણ ન્યાય મળેતે માટે હાર્દિક પટેલ હવે ''યુધ્ધ એજ કલ્યાણ'' કરી બુધવારથી તેનો પ્રારંભ કરશે. હાર્દિક પટેલની યાદિ જણાવશે કે ગુજરાતમાં ભાજપ સરકાર સામે આંદોલન કરવાનુ કારણ શુ છે? તો બહોળા ઉત્પાદન બાદ પુરતા ભાવ ન મળતા ખેડુતોને પોતાના પાક નીચા ભાવે વેચવા પડે દર વર્ષે ખોટ સહન કરતા હોય, ઘણા ખેડુતો આર્થિક પરીસ્થીતી અને પરીવારના ભરણ પોષણ ન કરી શકવાથી આત્મહત્યા કરે છે. બિયારણ જંતુુનાશક દવા સહિતનું મોધુ થતુ જાય છે. જેની સામે આવક ઓછી છે. ત્યારે ખેતીની ઉદ્યોગનો દરજજો આપવો જરૂરી છે. અને હાર્દિક પટેલ જણાવે છે કે ખેડુત પોતાના પાકનો ભાવ પોતાની રીતે નક્કિ કરી બજારમાં વેચે એવી માળખાગત સુવિધા પુરી પાડવામાં આવે તો ખેતી અને ખેડુત બંનેને બચાવી શકાશે અને ખેડુતના ઘરે અજવાળા નહી હોય તો નેતાઓના બંગલા નથી બંધાવાના આવી રીતે ગુજરાતના ખેડુતોને સમૃધ્ધ કરવાનુ સપનુ હાર્દિક પટેલે જોયુ છે તેના કારણે જ આગામી દિવસોમા ખેડુતોની પડખે રહી આંદોલનને વેગવંતુ બનાવવામાં આવશે.

હાર્દિક પટેલે વધુમાં જણાવ્યુ કે ખેડુત આંદોલન મા જીવ દેવો પડે તો આપીસ. આજે ગુજરાત ને વિઠલભાઇ રાદડીયા જેવા ખેડુત નેતાની ખોટ પડી રહી છે. હવે સૌરાષ્ટ્ર સહીત રાજયભરના ખેડુતોના આસુ લુછવાનુ કામ કરવામા આવશે. અને ગમે તે પરીસ્થીતીમા ખેડુતોની પડખે ઉભા રહેવામાં આવશે.

આ આંદોલનમા ભાજપ અને કોંગ્રેસ સહીતના રાજકીય પક્ષને આમંત્રણ આપવામાં આવેલુ હતુ કે તમે આવો અને ખેડુતોને સર્મથન જાહેર કરો પરંતુ હજુ રાજકોટ જીલ્લા કોંગ્રેસ સમીતી અને ટંકારા પડધરીના ધારાસભ્ય લલીતભાઇ કગથરા સીવાય બીજા કોઇ રાજકીય પાર્ટીના નેતાઓ એ આ આંદોલનને સર્મથન આપેલ નથી.

સર્મથનમા હાર્દિક પટેલ સાથે કિશાન સંઘ માંથી પાલભાઇ આંબલીયા, ઠાકરશીભાઇ પીપળીયા, રમેશભાઇ હાપલીયા, કમલેશભાઇ વસોયા અને પાસ ટીમમાંથી મનોજભાઇ પનારા, જયેસભાઇ પટેલ, મનીષભાઇ દોંગા, રજનીક વેજપરા, કલ્પેશ ભાલોડીયા, અમીત ટીંબળીયા, મહીપાલ પાણ, દલપત ભોજાણી હાજર રહ્યા છે તેમ બ્રિજેશભાઇ પટેલે જણાવ્યુ છે.

ભાજપની ભગીની સંસ્થા ભારતીય કિસાન સંઘ દ્વારા આંદોલનને ટેકો

રાજકોટ, તા. ૧૩ :. હાર્દિક પટેલની અધ્યક્ષતામાં આજે પડધરી ખાતે એક દિવસના પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ખેડૂતોને ન્યાય મળે તે માટે માંગણી કરવામાં આવી રહી છે.

આ આંદોલનને ભાજપની ભગીની સંસ્થા ભારતીય કિસાન સંઘે ટેકો આપ્યો છે અને હાર્દિક પટેલની લડતને યોગ્ય ગણાવીને ખેડૂતોની સ્થિતિ દયનીય હોવાનું જણાવી સરકાર સામે આક્રોશ ઠાલવ્યો હતો.

(3:55 pm IST)