Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

દિલીપ સંઘાણીની ત્રાડઃ જીવ બચાવવા સિંહણ પર હુમલો કરનારને છોડાવવા માટે કેસ લડશે

કાયદામાં સુધારા માટે લડતઃ જંગલમાં સિંહને પરેશાન કરનાર સામે પગલા લેવા જોઈએ પણ સિંહ ગામ કે સીમમાં આવીને માણસ પર હુમલો કરે તો માણસને સ્‍વરક્ષણનો અધિકાર મળવો જોઈએ

રાજકોટ, તા., ૧૩: ભાજપના અગ્રીમ નેતા પુર્વ કેબીનેટ મંત્રી શ્રી દિલીપ સંઘાણીએ સિંહોના હુમલાના જવાબમાં માણસ તરફથી હુમલો કરવામાં આવે તો તેને કાયદાકીય રક્ષણ આપવાની તરફેણ કરી છે. તેમનું આ નિવેદન વિવાદ નોતરનારૂ બની રહેવાની સંભાવના છે. ખાંભા તાલુકાના ખડાધાર ગામમાં મનુભાઇ ચોલેરા નામના ખેડુત પર  અને તેના પશુધન પર સિંહણે હુમલો કરેલ તે વખતે તેમણે પોતાના હાથમાં રહેલી કુહાડી સિંહણ પર ઝીંકતા સિંહણ ઘાયલ થયેલ. આ આરોપમાં મનુભાઇ હાલ જેલમાં છે. તેને છોડાવવા માટે વિનામુલ્‍યે કેસ લડવાની સંઘાણીએ જાહેરાત કરી છે. તેમણે જેલમાં જઇ મનુભાઇ સાથે મુલાકાત કરેલ. તેમના ધર્મપત્‍ની મહિલા ક્રેડીટ સોસાયટીના અધ્‍યક્ષા શ્રીમતી ગીતાબેન સંઘાણીએ પણ મનુભાઇના પરીવારની મુલાકાત લઇ હિંમત આપી હતી.

દિલીપ સંઘાણીએ જણાવેલ કે જંગલમાં જઇને કોઇ માણસ સિંહને પરેશાન કરે તો તેની સામે કાયદેસર કડક પગલા ભરવા જોઇએ. જો સિંહ કે અન્‍ય વન્‍ય પ્રાણી ગામ અથવા સીમમાં ઘુસીને કોઇ માણસ પર જીવલેણ હુમલો કરે તો તે વખતે તે માણસને સ્‍વબચાવમાં વળતો હુમલો કરવાની છુટ મળવી જોઇએ. આઇપીસી કલમ ૧૦૦ હેઠળ એવી જોગવાઇ છે કે કોઇ માણસને બીજા માણસથી જીવનુ જોખમ જણાય તો સામેવાળાને મારી નાખવાનો અધિકાર છે. આ કૃત્‍ય તેનું સ્‍વબચાવનું પગલુ ગણાય છે. આવો જ અધિકાર જંગલી પ્રાણીઓના માણસ પરના હુમલા વખતે મળવો જોઇએ. આ માટે કાયદાકીય સુધારો કરાવવા હું હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટ સુધી લડવા માંગુ છું.

(4:00 pm IST)