Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

કોટડાસાંગાણીના ભાડવાથી નારણકા ચોકડી સુધીનો માર્ગ મંજુર થવા છતા કામ ચાલુ કરવામાં સરકારની ઢીલી નીતી

આઠ કિમીનો માર્ગ અતિ બિસ્માર હાલતમાં વાહન ચાલકોને ભારે હાલાકી

કોટડાસાંગાણી, તા.૧૩: કોટડાસાંગાણીના ભાડવાથી નારણકા ચોકડી સુધીના માર્ગ નવો બનાવવાની મંજુરી મળ્યા બાદ ટેન્ડરીંગ પ્રક્રિયા પુર્ણ થયાને મહીનાઓ વીતી ગયા બાદ પણ કોન્ટ્રાકટરને વર્ક ઓર્ડર આપવામા સરકારી બાબુઓની ઢિલી નીતી હોય તેમ લાગી રહ્યુ છે અને ફાઈલો અભેરાઈએ ચડાવી દિધી હોઈ તેવુ સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે. સુત્રોના મતે આ રોડ મંજુર થયાને મહીનાઓ વીત્યા બાદ પણ આ રોડનુ કોન્ટ્રાકટરને વર્ક ઓર્ડર નહી મળતા કામ શરૂ કરાયુ નથી.

કોટડાસાંગાણીના ભાડવાથી નારણકા ચોકડી સુધીનો આઠ કિલોમીટરનો માર્ગ વર્ષોથી અતિ બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે આ અંગે સરકારમાં અનેક વખત રજુઆત કરાયા બાદ અંતે આ રોડ મંજુર કરાયો છે પરંતુ કામ શરૂ નહી થતા વાહન ચાલકોમા દેકારો બોલી ગયો છે આ આઠ કિલોમીટર નો માર્ગ અતિ બિસ્માર હાલતમા હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વાહન ચાલકો આ રસ્તે ચાલીને ત્રાસી ગયા છે પંદર થી વધુ ગામના લોકો અને સરકારી સ્કૂલોમા નોકરી કરતા શિક્ષકો અપ ડાઉન કરતા હોય તેમને પણ આ રસ્તો માથાના દુખાવા સમાન બન્યો છે કમનસીબે પંદર થી વધુ ગામના લોકોને રાજકોટ તથા શાપર વેરાવળ જવા માટે આજ રસ્તે વાહન લઈને ચાલવુ પડે છે ખાસ કરીને રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકોને આ રસ્તા પર પસાર થવુ એક કોયડાની માફક બની ગયુ છે આ રોડ પર વાહનોની અવરજવર પણ વધુ રહે છે આ રોડ બીસ્માર હોવાથી અકસ્માતો પણ બહુ સર્જાઈ છે. અને નવા વાહનો આ રસ્તે ચાલીને ખખડધજ સ્થિતિમાં ફેરવાઈ જાય છે સાથે આજુબાજુના ગામમાં કોઈ આકસ્મિક ઘટનાઓ બને ત્યારે ઈમરજન્સી સેવાઓની ગાડીઓ ખરાબ રસ્તાને કારણે મોડી પહોંચે છે. હાલ તો આ માર્ગ ગાડા માર્ગ કરતા પણ ખરાબ છે ત્યારે આ માર્ગ નવો બનાવવા માટે અટવાયેલી કાર્યવાહી જડપથી પુરી કરી કામ શરૂ કરાઈ તેવી માંગ વાહન ચાલકોએ કરી હતી.

સ્થાનિક સરપંચો. રાજકિય આગેવાનો રોડના પ્રશ્ને નમાલા સાબીત થયા ?

કોટડાસાંગાણીના ભાડવાથી નારણકા ચોકડી સુધીનો માર્ગ અતી બીસ્માર હાલતમા છે આ માર્ગ પર એક એક ફુટના ગાબડા તંત્રને કયારે દેખાશે તેવો પ્રશ્ન અહી ઉભો થયો છે એક તરફ વિકાસના બણગા ફુંકતી સરકાર સામે વાહન ચાલકોમા ભારોભાર રોષ ફેલાયો છે. ચુંટણીઓ સમયે મસમોટા બણગા ફુંકતા સ્થાનીક સરપંચો અને રાજકિય આગેવાનો આ રોડ નવો બનાવવામા તો ઠિક પણ સમારકામ કરાવવામા પણ નમાલા સાબીત થયા હોય તેમ લાગી રહ્યુ છે.

(11:56 am IST)