Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

ભાણવડમાં રોગચાળાનો અજગરી ભરડો

ડેંગ્યુએ લીધો પરિણીતાનો ભોગ

ભાણવડ તા. ૧૩: ભાણવડમાં દિવાળી જેવા રોશનીના પર્વ ટાણે જ પરિણીતાનો ડેંગ્યુને કારણે દિપ બુઝાઇ જતાં પરિવારમાં અંધારપટ છવાઇ ગયો છે.

ભાણવડ શહેર છેલ્લાં એક પખવાડીયાથી રોગચાળાના અજગરી ભરડામાં સપડાયું છે. શહેરમાં પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગચાળાએ માઝા મુકી છે. ખાસ કરીને ડેંગ્યુ. મેલેરીયા, ટાઇફોઇડ જેવી બિમારીએ લોકોને બાનમાં લીધા છે. મહા પર્વ ટાણે જ શહેરના સરકારી ચિકિત્સાલય તેમજ ખાનગી દવાખાનાઓમાં દર્દીઓની ભારે ભીડ લાગેલી નજરે પડી રહી હતી. ડેંગ્યુ તથા મેલેરીયાની બિમારીએ તો આખા તાલુકાને ભરડો લીધો છે. શહેરના ખાનગી તથા સરકારી દવાખાનાઓમાં મોટી માત્રામાં આ બિમારીમાં સપડાયેલા દર્દીઓનો રાફડો ફાટયો છે઼. જો કે, ઘેર ઘેર માંદગીના ખાટલા હોવા છતાં પાલિકા તંત્ર તરફથી શહેરમાં દવા છંટકાવ, સાફ સફાઇ તેમજ રોગચાળાને કાબુમાં લેવા માટે જરૂરી કોઇ પગલા લેવામાં નથી આવી રહ્યા જેને લઇ લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઇ રહી છે. ડેંગ્યુની બિમારીના અસંખ્ય કેસો ભાણવડમાં નોંધાઇ ચુકયા છે. જેમાં મોહિનીબેન ધીરજલાલ સોચા નામની પરિણીતાનો ભોગ લેવાઇ ગયો છે. ત્યારે પાલિકા તંત્ર ઝડપથી શહેરમાં રોગચાળાને નાથવા દવા છંટકાવ તેમજ સાફ સફાઇ કરાવે એ ખુબ જરૂરી બની ગયું છે.

(11:55 am IST)