Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

રાષ્ટ્ર રક્ષા યજ્ઞથી લોકોમાં નવી રાષ્ટ્ર ચેતનાની જ્યોત પ્રગટી : મનસુખ માંડવિયાની શાબ્દિક આહુતિ

કરમદિયાની જેમ અન્ય ગામોમાં પણ શહીદ સ્મારક બને તેવો પ્રયાસ

ભાવનગરના મહુવા પંથકમાં વાણિયાવીડી ઠાકરધામ ખાતે રાષ્ટ્ર કક્ષા યજ્ઞની પુર્ણાહુતિ પ્રસંગે આયોજક અગ્રણી કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ તે પ્રસંગની તસ્વીર.

ભાવનગર તા. ૧૩ : પ્રકૃતિનાં ખોળે રમતા નયનરમ્ય પ્રાકૃતિક ધામ 'વાણીયાવિડી ઠાકર ધામ૩ ખાતે તા.૧૦થી ૧૨ દરમિયાન યોજાયેલ ત્રિદિવસીય 'રાષ્ટ્ર રક્ષા યજ્ઞ'નાં છેલ્લા દિવસે પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયેલ હતો. ત્રણ દિવસ ચાલેલ આ યજ્ઞમાં આજુબાજુના ૨૫ થી ૩૦ ગામના અંદાજે ૫૦ થી ૬૦ હજાર લોકોએ દર્શનનો લાભ લઇ ભારતમાતને વંદન-પુજન કર્યું હતું, તથા યજ્ઞના બીજા દિવસે વાણીયાવિડીથી 'વીરયાત્રા'નીકળીને બાજુનાં ગામ કરમદિયા ખાતે શહીદ વીર દેવાભાઈ પરમારનાં સ્ટેચ્યુની અનાવરણ વિધિ સાથે 'શહીદ સ્મારક'પણ ખુલ્લું મુકવામાં આવેલ હતું.આ કાર્યક્રમમાં પણ હજારો લોકો ખુબ જ શ્રધ્ધા અને ઉલ્લાસથી જોડાયા હતા.

યજ્ઞની પૂર્ણાહુતિ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવેલ છે કે, 'દેશના નાગરિકોમાં રાષ્ટ્રભાવનાનાં મૂળ ઉંડા સુધી વિસ્તરે, લોકોને શહીદોના બલિદાનમાંથી પ્રેરણા મળે તથા રાષ્ટ્રભાવનાનું નિર્માણ થાય તે માટે કરમદિયા ગામમાં 'શહીદ સ્મારક'નું નિર્માણ અને 'રાષ્ટ્ર રક્ષા યજ્ઞ' એક પ્રયત્ન હતો, યજ્ઞની પૂર્ણાહુતિ થઇ છે, પરંતુ સાથે જ એક નવી રાષ્ટ્ર ચેતનાની શરૂઆત થઇ છે, જે આવનારી પેઢીઓ સુધી વિસ્તરતી રહેશે. જયાં સુધી આ 'શહીદ સ્મારક' મોજુદ રહેશે, ત્યાં સુધી શહીદ દેવાભાઈની યાદી અને તેની બલીદાન ગાથા લોકો વચ્ચે ગુંજતી રહેશે. આ સ્મારક નિર્માણનાં પ્રયત્ન માંથી અન્ય ગામનાં લોકો પણ પ્રેરણા લઇ તેમના ગામમાં કોઈ શહીદ થયો હોઈ તો સ્મારક બનાવે તેવો મારો પ્રયત્ન ચાલુ રહેશે.'

આ પ્રસંગની પૂર્ણાહુતિએ કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાએ તમામ સ્વંયસેવકો અને યજ્ઞમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલ તમામનો સહહૃદય આભાર માનેલ હતો.

(11:53 am IST)