Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

સોમનાથ મહાદેવ મંદિરને દિવાળી દરમિયાન રૂ. ૭૬ લાખની આવક થઇ

પ્રભાસ-પાટણ તા.૧૩: દિવાળીની રજાઓ અને સપરમા પર્વે સોમનાથ મહાદેવ મંદિરે દર્શન-પૂજન, યાત્રા અને પ્રવાસ અર્થે માનવ મહેરામણના ઘોડાપુરનો દરિયો ઉમટયો હતો. જેને કારણે સોમનાથ મંદિર ટ્રસ્ટને તા.૭-૧૧-૧૮થી તા.૧૧-૧૧-૧૮ એટલે કે ફકત પાંચ દિવસમાં જ ટ્રસ્ટને ૭૬ લાખ રૂપિયાની જંગી આવક થઇ. સોમનાથ ટ્રસ્ટના ઇન્ચાર્જ જનરલ -મેનેજર ઉપેન્દ્ર કોદાળાએ એક મુલાકાતમાં જણાવ્યું કે થયેલી ૭૬ લાખ ૭ હજારની આવકમાં લોકો- યાત્રિકો રૂપિયા ૩૦ લાખ લાડુ પ્રસાદી, ૨૩ લાખ અતિથી ગૃહોની અને લાઇટ એન્ડ સાઉન્ડ શો સહિત અન્ય ૨૩ લાખ રૂપિયા શિવભકતોએ ટ્રસ્ટ ઉપર ચુકવણું કરી લક્ષ્મી તથા શિવકૃપા મેળવી હતી.

દિવાળી વેકેશનનો હજુ પ્રવાહ ધીમો પરંતુ ચાલુ હોવાથી તા.૧૩ સુધીમાં આવકનો આ આંકડો કરોડને વટાવી જાય તેવી શકયતા છે. તેમ જાણકારો કહે છે. આ આવકમાં ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોનો સમાવેશ થાય છે.

એવી જ રીતે દિવાળીની રજાઓના કારણે સોમનાથ મંદિર પે-પાર્કિંગમાં દરરોજના ૩૦૦૦ જેટલા વાહનો પાર્ક થયેલ અને દૈનિક રૂપિયા ૭૦ હજારથી વધુની આવક લેખે પાંચ દિવસના સાડા ત્રણ લાખની જંગી આવક થયાનું જાણવા મળે છે.

સોમનાથ મંદિરના ટ્રસ્ટ અધ્યક્ષ કેસુભાઇ પટેલ તથા ટ્રસ્ટી સચિવ પ્રવિણભાઇ લહેરીના પ્રયાસોથી સોમનાથ મંદિરનો તેમજ આસપાસના સ્થળોનો કરાયેલ વિકાસને કારણે દિનપ્રતિદિન સોમનાથ મંદિરે યાત્રિકોનો પ્રવાહ ખૂબ જ વધી રહયો છે.

(11:46 am IST)