Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

અમરેલીમાં ગરબો બન્યો ચકલીનું નિવાસ, ઓછી મહેનતે ચકલીને સુરક્ષીત ઘર

ગરબો માતાજીની ઉપાસના સાથે ચકલીઓની સુરક્ષા અને જતન માટે : દેશી મકાનોના અભાવે માળો મળવો મુશ્કેલ, ગરબાનો ઉપયોગ ચકલીના માળા માટે કરવા અમરેલીના પક્ષીપ્રેમી ચંદુભાઇ સંઘાણીનો અનુરોધ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૧૩: નવરાત્રીની નવ દિવસની આરાધના જેના પ્રકાશમાં કરીએ છીએ તે 'ગરબા' ને દસમે દિવસે મંદિરમાં મુકવા જવાની પૌરાણીક શ્રધ્ધા છે. ગરબાની પવિત્રતા અને યોગ્ય ઉપયોગીતા ચકલીના માળા તરીકે કરવામાં આવે તો શ્રધ્ધા સાથેનું સેવાકાર્ય થઇ શકે તેમ જાણીતા પક્ષીવિદ-જીલ્લા બેંકના મેનેજીંગ ડીરેકટર ચંદુભાઇ સંઘાણીએ જણાવેલ છે.

ગરબાની બાંધણી પક્ષીના માળા માટે ઉપયોગી છે. દેશી મકાન નહિ રહેતા ચકલીનો માળો બનાવવો મુશ્કેલ છે. તેવા સમયે નવરાત્રી પૂર્ણ થઇ ગરબાને છતમાં ટીંગાડવામાં આવે તો તેનો ઉપયોગ ચકલી ઉછેર માટે આશિર્વાદરૂપ બનશે અને ગરબાની ગરીમા પણ જળવાઇ રહેશે. તેમ સંઘાણીએ જણાવેલ. ચકલીઓ લુપ્ત થતી જાય છે તેને બચાવવા ઝુંબેશ અનિવાર્ય છે તેવા સમયે ગરબાને ચકલીના માળા માટે ઉપયોગમાં લઇ ગરબાની પવિત્રતા સાથે પ્રકૃતિના જતનની હિમાયત ચંદુભાઇ સંઘાણીએ કરી છે.

(12:56 pm IST)