Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

માંગરોળમાં રાત્રે થયેલા ફાયરીંગ મામલે ૪ શખ્સો સામે નોંધાતો ગુનો

બે વિસ્તારમાં ૪ રાઉન્ડ ફાયરીંગ કર્યાનો ઘટસ્ફોટઃ આરોપીઓને પકડવા પોલીસનું રાતભર કોમ્બીંગ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૧૩ :. માંગરોળમાં રાત્રે બે અલગ અલગ વિસ્તારમાં થયેલા ફાયરીંગ મામલે પોલીસે ૪ શખ્સો સામે ગુન્હો નોંધી આરોપીઓએ પકડવા માટે રાતભર કોમ્બીંગ કર્યા બાદ સવારથી પુનઃ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે.

માંગરોળના લીમડા ચોક અને બસ સ્ટેશન વિસ્તારની ફાયરીંગની ઘટનામાં ૪ રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યુ છે.

માંગરોળમાં ગત રાત્રે આઠ વાગ્યાની આસપાસ સતત ધમધમતા લીમડા ચોક તેમજ બસ સ્ટેશન વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ લોકોની જીંદગી જોખમાય તે રીતે હવામાં ફાયરીંગ કરીને આતંક મચાવતા લોકોમાં ભય ફેલાય ગયો હતો.

નવરાત્રીના પર્વમાં ફાયરીંગની ઘટના બનતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને ફાયરીંગ કરીને નાસી છૂટેલા શખ્સોની તપાસ-શોધખોળ હાથ ધરી હતી.ડીવાયએસપી જે.ડી. પુરોહિત તેમજ સ્થાનિક પીએસઆઈ બી.કે., ચાવડાએ હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં માંગરોળના લીમડા ચોક અને બસ સ્ટેશન વિસ્તારમાં ઈસા ઉર્ફે મોટીયો ભીખા જોશી તેમજ રીઝવાન ઉર્ફે હસલો અને બે અજાણ્યા શખ્સોએ ફાયરીંગ કર્યુ હોવાનું ખુલ્યુ હતું.

આ શખ્સોએ મોટર સાયકલ પર ધસીને ફાયરીંગ કર્યાની વિગતો ખુલી હતી. પોલીસને બે ફુટેલા કારતુસ હાથ લાગ્યા હતા.

આ અંગે માંગરોળના કોન્સ્ટેબલ સુરેશ પ્રવીણભાઈ દાફડાએ સરકાર તરફે ફરીયાદી બની ઈસા ઉર્ફે મોટીયો ભીખા જોશી તથા રીઝવાન ઉર્ફે હસલો અને બે અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો.

આ શખ્સોને ઝડપી લેવા પોલીસની જુદી જુદી ટીમોએ રાતભર કોમ્બીંગ કરવામાં આવ્યુ હતું. આજે સવારથી તપાસનો ધમધમાટ શરૂ કરી આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

ફાયરીંગની ઘટનાની તપાસમાં એસપી રવિ તેજા વાસમશેટીની સૂચનાથી ક્રાઈમ બ્રાંચ, એસઓજીની અને એફએસએલની મદદ લેવામાં આવી છે. હવામાં ફાયરીંગ કરવાનો આરોપીઓનો શું ઈરાદો હતો અને કયા હથિયારમાંથી ફાયરીંગ કર્યુ ? તે તમામ બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:43 am IST)