Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

મોરબીના ત્રાજપર વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ લાવો

 મોરબી,તા.૧૩ : મોરબીના ત્રાજપર વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા બાબતે મોરબી તાલુકા પંચાયતના સદસ્ય જલાભાઈ ડાભી દ્વારા જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
આ રજૂઆતમાં જણાવાયું છે કે તેઓના મતવિસ્તારમાં ત્રાજપર-૨ નજરબાગ ફિલ્ટરથી માંડલ જતી લાઇનમાંથી આ વિસ્તારને પાણી પૂરું પાડતા હતા. જે લાઇન બંધ કરી દેવામાં આવી છે. ધાર, ખારી વિસ્તાર, યોગીનગર, લક્ષ્મી સોસાયટી, સિલ્વર સોસાયટી, વાણિયા સોસાયટી, શકિતનગર સહિત આશરે ૧૦ હજારની વસ્તી ધરાવતો આ વિસ્તાર છેલ્લા એક મહિનાથી પાણી વગરનો છે.
આ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી પાણી મળતું બંધ છે. આથી, આ વિસ્તારના રહીશોને પીવાના પાણી માટે પડતી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો પાણીના આ પ્રશ્નોનો તાત્કાલિક યોગ્ય નિકાલ કરવા અપીલ કરવામાં આવી છે.
કેનાલ દ્વારા સિંચાઈ સુવિધાની માંગ
મોરબી અને માળિયા તાલુકાના ૫૨ ગામોને સિંચાઈની સુવિધા ના હોય જેથી આવા ગામોને કેનાલ દ્વારા સિંચાઈની સુવિધા આપવા ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના જનરલ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે મુખ્યમંત્રીને રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી – માળિયા વિધાનસભાની ગત પેટા ચુંટણી સમયે ભાજપ વરિષ્ઠ આગેવાનો દ્વારા ખેડૂતોને ન્યાય આપવાનું વચન આપવામાં આવ્યું હતું અને મોરબીની સભામાં તે સમયના મુખ્યમંત્રી દ્વારા પણ આ વાતને દોહરાવવામાં આવી હતી જેથી લોકોએ ભરોસો રાખીને ભાજપને મત આપીને ઉમેદવારને જીતાડ્યા હતા
તો તાજેતરમાં મોરબી ખાતે એક ખાનગી મીટીંગ મળી હતી જેમાં આ ગામો પૈકીના કેટલાક ગામોના તળાવો ભરી આપવા વિચારણા કરવામાં આવી હોવાની માહિતી મળી છે ત્યારે ૫૨ ગામના ખેડૂતોને કેનાલ મારફત પાણી આપવા માંગ કરી રહ્યા છે નર્મદા યોજનાના વધારાના પાણીની ફાળવણી જો કચ્છ જીલ્લા માં થઇ શકિત હોય તો આ મોરબીના ૫૨ ( બાવન ) ગામો ને શામાટે નહી ? જેથી તળાવ ભરવા માંગતા હોય તો ખેડૂતોનો વિરોધ નથી પરંતુ મૂળ માગણી છે કે કેનાલ દ્વારા ખેડૂતોને પાણી આપવામાં આવે.
 શરદોત્સવનું આયોજન કરાયું
 પરશુરામ યુવા ગ્રુપ દ્વારા તા. ૨૦ને બુધવારના રોજ રાત્રીના ૯ કલાકે શ્રી પરશુરામ ધામ, નવલખી રોડ મોરબી ખાતે શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે
જે શરદોત્સવના કાર્યક્રમમાં બ્રહ્મસમાજ જ્ઞાતિજનોએ પધારવા નીરજભાઈ ભટ્ટ, મહામંત્રી ધ્યાનેશભાઈ રાવલ અને મહામંત્રી ધર્મેન્દ્રભાઈ જોષીએ નિમંત્રણ પાઠવ્યું છે શરદોત્સવને સફળ બનાવવા મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ, મોરબી સમસ્ત બ્રહ્મસમાજ, સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પરિવાર, બ્રહ્મવિકાસ પરિષદ, પરશુરામ ધામ મોરબી, સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ત્રસ્ત અને ગાયત્રી પરિવાર સહિતની સંસ્થાના અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.
સિનિયર સિટીઝન સભ્ય જોગ
મોરબીમાં આંતરરાષ્ટ્રીય વ્યસકદિન ડો.બી.કે. લેહરૂના પ્રમુખ સ્થાને મોરબીમાં ધન્વતરી ભવન, શનાળા રોડ પર ભોજન સાથે ઉજવવામાં આવેલ તથા કોરોના અને લોકડાઉન ઉપર વકતૃત્વ સ્પર્ધા રાખવામાં આવેલ જેમાં પ્રથમ દિનેશભાઇ અંતાણી દ્વિતીય ડો. બી.કે. લેહરૂ તથા તૃતિય ડો.એમ.ડી. જાડેજા સાહેબ વિજેતા થયેલ. આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે રાંકજા સાહેબે હાજરી આપી હતી. આ તબક્કે સેવાભાવી નરેન્દ્ર મહેતાનું શાલ ઓઢાડીને મહેશભાઇ ભટ્ટે સન્માન કરેલ તથા કોરોના દરમ્યાન મેડીકલ સારવાર ૧૫ દિવસ ફ્રી કરનાર તથા સહકાર ભારતીના પ્રમુખ ડો.બી.કે. લેહરૂનું શાલ ઓઢાડીને ત્રંબકભાઇ મહેતાએ સન્માન કરેલ. પ્રોગ્રામના અધ્યક્ષ જેતપરીયા મહામંત્રી મહેશભાઇ ભટ્ટ, પ્રવિણભાઇ મહેતા, વકીલ જગદીશભાઇ, ડો. અનિલભાઇ મહેતા, સી.ટી. શુકલ, ચડાસણીયા સવજીભાઇ અઘારા, પાડલીયા વિગેરે મહાનુભાવોએ હાજરી આપેલ.
મોરબી જીલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિ બેઠક હવે ૨૨મીએ મળશે
મોરબી જીલ્લા સંકલન સહ ફરીયાદ સમિતીની બેઠક  શનિવારે યોજવાને બદલે હવે તા.૨૨/૧૦/૨૦૨૧ના રોજ શુક્રવારે બપોરના ૩:૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે.
 આ બેઠકમાં ફરીયાદ સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ સમીક્ષા કરાશે. સંકલન સમિતિની બેઠકમાં રજૂ થયેલ પ્રશ્નોની સમીક્ષા અને સંકલન સમિતિના ૧ થી ૬ પત્રકોની સમીક્ષા કરવામાં આવશે. આ બેઠકમાં જિલ્લાના સંકલનના સર્વે અધિકારીશ્રીઓને જરૂરી વિગતો સાથે ઉપસ્થિત રહેવા નિવાસી અધિક કલેકટરશ્રી એન. કે. મુછાર દ્વારા જણાવાયું છે.
દારૂના જથ્થા સાથે ઝડપાયો
માળિયા નેશનલ હાઈવે પર પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ટીંબડીના પાટિયા નજીકથી પીયુષભાઈ મહેશભાઈ જોષી રહે-લક્ષ્મીનગર વાળાને વિદેશી દારૂની બોટલ નંગ-૫ કીમત રૂ.૧૫૦૦ સાથે ઝડપી પાડી  કાર્યવાહી હાથ ધીર છે.

 

(11:39 am IST)