Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

જામકંડોરણામાં પુષ્ટિમાર્ગીય નવધા ભકિત રાસોત્સવ

જામકંડોરણાઃ શ્રીમદ્દ વલ્લભ શ્રી વિઠલ પુષ્ટિ સંસ્કારધામ ખાતે એક દિવસીય પુષ્ટિમાર્ગીય નવધા ભકિત રાસોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. વૈષ્ણવોએ પ.પૂ.ગો. ૧૦૮ શ્રી જયવલ્લભલાલજી મહોદયનું સામૈયા કરી સ્વાગત કર્યુ હતું. શ્રી જયવલ્લભલાલજી મહોદયના હસ્તે ગૌ પૂજન કર્યા બાદ પુષ્ટિ સંસ્કારધામમાં નવનિર્મિત પુષ્ટિ શ્રૃંગાર ભવનનું ઉદઘાટન કરવામાં આવ્યુ હતું. રાસોત્સવમાં ભાગ લેનાર બાળકોને શ્રી જયવલ્લભલાલજી મહોદયના હસ્તે પ્રોત્સાહક ઈનામો આપવામાં આવ્યા હતા. જીવરાજભાઈ સતાસીયાએ સ્વાગત પ્રવચનમાં સર્વે મહેમાનો તથા વૈષ્ણવોને આવકાર્યા હતા અને પુષ્ટિ સંસ્કારધામની કામગીરીની માહિતી આપી હતી. આ પ્રસંગે રાસોત્સવના મુખ્ય મનોરથી પાર્વતીબેન વિઠલભાઈ હદવાણી-રાજકોટનો સહપરિવાર-રાજકોટ જીલ્લા સહકારી બેન્કના ડીરેકટર લલીતભાઈ રાદડીયા-રાજકોટ જીલ્લા દુધ સંઘના ડીરેકટર ગોવિંદભાઈ રાણપરીયા, નૈમિષભાઈ ધડુક સહિતના આગેવાનો તેમજ તાલુકાભરમાંથી તેમજ બહારગામથી મોટી સંખ્યામાં વૈષ્ણવોએ હાજરી આપી હતી અને વચનામૃત, રાસવિલાસ અને મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ પુષ્ટિ સંસ્કારધામમાં આવનારા દિવસોમાં પાઠશાળા તેમજ ગૌશાળા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવતા અનેક દાતાઓએ આ કાર્યમાં સહભાગી બની દાનની સરવાણી વહેવડાવી હતી. નવધા ભકિત રાસોત્સવની તસ્વીરો (તસ્વીરોઃ મનસુખભાઈ સી. બાલધા-જામકંડોરણા)

(10:46 am IST)