Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

ગોંડલ યાર્ડ સિઝનની નવી મગફળીના પ્રારંભ સાથે જ મગફળીથી ઉભરાયું

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા. ૧૩: સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા અને ગુજરાતનું સૌથી મોટા બીજા નંબરના ગોંડલ માર્કેટ યાર્ડમાં સિઝનની નવી મગફળીની આવકનો પ્રારંભ થયો છે ત્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં નવી મગફળીની આવકનો પ્રારંભ કરવામાં આવતા જ ગોંડલ માર્કેટ યાર્ડ બહાર બંને તરફ નેશનલ હાઈવે પર મગફળી ભરેલા વાહનોની કતારો લાગી હતી. આ સાથે જ ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની એક લાખ ગુણી કરતા વધુ આવક જોવા મળી હતી. મગફળીની હરાજીમાં ૨૦ કિલો મગફળીના ભાવ રૂપિયા ૮૦૦/-થી લઈને ૧૩૬૧/-સુધીના બોલાયા હતાં. ગોંડલ માર્કેટ યાર્ડમાં સતાધીશો અને કર્મચારીઓની ખેડૂતો માટેની સારી વ્યવસ્થા અને ખુલ્લી હરાજીમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા હોવાથી સૌરાષ્ટ્રના જૂનાગઢ,પોરબંદર,જામનગર,અમરેલી સહિતના પંથકમાંથી ખેડૂતો મગફળી વહેંચવા યાર્ડમાં આવતા હોવાથી ગોંડલ માર્કેટ યાર્ડ દર વર્ષે સિઝનમાં મગફળીથી ઉભરાઈ જતું હોય છે.

આ વર્ષે પણ ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની સિઝનના પ્રારંભ સાથે જ મગફળીની અઢળક આવકો થઈ છે. ત્યારે આગામી દિવસોમાં યાર્ડમાં મગફળીની આવકોમાં વધારો થવાની પણ શકયતાઓ સેવાઈ રહી છે. સીંગતેલ તેલના ભાવ ભડકે બળતા કેન્દ્ર સરકારે તેલની સ્ટોક મર્યાદાની અમલની જાહેરાત કરી છે. ત્યારે ખેડૂતોને મગફળીના ઉત્પાદન સમયે જ સરકારની સ્ટોક મર્યાદાની અમલવારીને લઈને જાણકારોના મતે મગફળીના ભાવો ગગડવાની શકયતાઓ સેવાઈ રહી છે. જેને કારણે ખેડૂતોમાં પણ મગફળીના પોષણક્ષમ ભાવો ન મળવાની દહેશત વચ્ચે રોષ વ્યાપી જવા પામ્યો છે.

સુમરા સોસાયટીમાં જુગાર રમતા સાત ઝડપાયા

મોવિયા રોડ પર આવેલ સુમરા સોસાયટીમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે એલસીબી પોલીસના પીઆઇ ગોહેલ, પીએસઆઇ રાણા, એએસઆઇ જાની, હેડ કોન્સ્ટેબલ જાડેજા, અનિલભાઈ ગુજરાતી, પ્રહલાદ સિંહ રાઠોડ તેમજ રૂપક ભાઈ બહોરા સહિતનાઓએ દરોડો પાડી જુગાર રમતા આદિલ શાહ હુસેન શાહ શાહમદાર, હુસેન ઉર્ફે ગંભો જુમાભાઈ આદમાણી, રવિ હસમુખભાઈ બાવળીયા, રમજાન ઉર્ફે ભોપલો રજાકભાઈ ગોરી, સિકંદર સલીમભાઈ શેખા, અલી ઇનાયત ભાઈ શામ તથા અજય નટુભાઈ કારીયા ને રોકડા રૂપિયા ૫૫૧૦૦ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

(10:35 am IST)