Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) હેઠળ મોરબી જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન

જિલ્લાના તમામ તાલુકાઓમાં વૃક્ષારોપણ, જાહેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સફાઇ, શૌચાલયના વપરાશ પ્રત્યે સજાગ કરવા સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૧ અન્વયે ગ્રામ્ય કક્ષાએ લોકોને જણ કરવા વિવિધ IEC પ્રવૃતિઓ

મોરબી :  આઝાદીના ૭૫ વર્ષ નિમિતે “આઝાદી કા અમૃતમ મહોત્સવ” અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશને વધુ વેગવંતુ બનાવવા રાજ્યની તમામ ગ્રામ પંચાયતોમાં ઓકટોબર માસમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત મોરબી જિલ્લામાં પણ વિવિધ સ્વચ્છતાલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.

ગાંધીજીના સ્વપ્નને સાકાર કરવા ર જી ઑક્ટોબરના રોજ ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે કલેકટર જે.બી. પટેલ તથા જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવની ઉપસ્થિતિમાં તેમજ મોરબી તાલુકાના ગાળા ગામે નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મીતાબેન જોષીની ઉપસ્થિતિમાં ખાસ ગ્રામ સભાઓ યોજવામાં આવી હતી. ગ્રામ સભામાં સ્વચ્છતાને લગત સોક્પીટ, કમ્પોસ્ટપીટ તેમજ ગામને સિંગલ યુઝ પ્લાસ્ટીક મુક્ત કરવા ઉપસ્થિત લોકોને જરુરી માર્ગદર્શન આપ્યું હતું.
આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી મોરબી જિલ્લામાં “૧૦૦ દિવસ ઝુંબેશ” અંતર્ગત આયોજીત કાર્યક્રમો હેઠળ ગ્રામ પંચાયતોમાં વિવિધ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત થનાર પ્રવૃતીઓના બહોળા પ્રચાર પ્રસાર ભાગ રૂપે સામુહિક સ્થળોની સફાઇ પ્રવાહી તેમજ ઘન કચરા વ્યવસ્થાપન અને પ્લાસ્ટીક કચરાનો યોગ્ય નિકાલ થાય તેવા મુદ્દાઓને ધ્યાને લઈ બહોળા પ્રમાણમાં જન ભાગીદારીની ઉપસ્થિતિમાં સ્વચ્છતા સંવાદ યોજવામાં આવેલ. મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં સ્વચ્છતા શપથ, નિબંધ સ્પર્ધા તેમજ ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી.
જિલ્લાના તમામ તાલુકાઓમાં વૃક્ષારોપણ, જાહેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સફાઇ, શૌચાલયના વપરાશ પ્રત્યે સજાગ કરવા સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૧ અન્વયે ગ્રામ્ય કક્ષાએ લોકોને જણ કરવા વિવિધ IEC પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી. જિલ્લામાં સિંગલ પ્લાસ્ટીક યુઝ વ્યવસ્થાપન અંતર્ગત સફાઇ કામ કરાવવામાં પ્રજાજનનોની મહત્વપૂર્ણ જનભાગીદારી નોંધાઇ રહી છે.
મોરબી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ ફેઝ -૨ અંતર્ગત સ્વચ્છતા જાળવવા જિલ્લાના તમામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ સ્વચ્છતા લક્ષી કાર્યક્રમોનુ આયોજન કરાયુ છે.

(12:34 am IST)