Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

ધોરાજીમાં માર્ગ અને મકાન વિભાગ હસ્તક નો રોડ ટૂંકો કરી નાખવામાં આવતા હોબાળો..

જમનાવડ રોડ પર નગરજનોએ કામ અટકાવ્યું: નેતાઓ ચૂપ રહેતા અખબારોએ લોક અવાઝ ઉઠાવ્યો હતોઃ અખબારી અહેવાલના પડઘે કામ શરૂ થયું પરંતુ કામ નબળું થતા લોકોએ આવેદનપત્ર પાઠવ્યું

ધોરાજી, તા.૧૨: ધોરાજીમાં માર્ગ અને મકાન વિભાગ હસ્તકના રોડ રસ્તા પર ડામર કામ શરૂ કરાતા કોન્ટ્રાકટરોની કામગીરી નબળી હોવા ઉપરાંત રોડ બંને તરફથી ટૂંકો કરી નાખવામાં આવતા જમનાવડ રોડ ના રહીશોએ હોબાળો મચાવી રોડનું કામ અટકાવી દીધું હતું.

ધોરાજીમાં માર્ગ-મકાન વિભાગ હસ્તકના ડામર રોડ માં ધોરાજીના જેતપુર રોડ,ઉપલેટા રોડ, જમનાવડ રોડ, જામકંડોરણા રોડ ની હાલત તદ્દન બિસ્માર થઇ જવા પામી હતી રાહદારીઓ અને વાહનચાલકો ભારે મુશ્કેલી વેઠી રહયા હતા જે પ્રશ્ને નેતાઓએ ચૂપકીદી સેવી લેતા અંતે અખબારોએ પ્રજાનો અવાજ બની બિસ્માર રોડ રસ્તા ના અહેવાલો પ્રસિદ્ઘ કરતા આખરે તંત્રને રેલો આવી જતા તેમણે રોડ રસ્તા નું કામ ફરીથી શરૂ કર્યું હતું.

કોન્ટ્રાકટર દ્વારા ધોરાજીના જમનાવડ રોડ પર ડામર રોડનું કામ શરૂ કરાતા તે કોન્ટ્રાકટર દ્વારા રોડની સાઈઝ ટૂંકી કરી નાખવામાં આવતા હોબાળો મચ્યો હતો. આસપાસમાં રહેતા લોકોને ડામરની કામગીરી અને મટીરીયલ નબળું જણાતાડામર કામ થતું અટકાવી દીધું હતું.

જમનાવડ રોડ ના રહીશોએ ચાલી રહેલ ડામર કામ અટકાવી દીધા બાદ ટોળા સ્વરૂપે ધોરાજી પ્રાંત કચેરી ખાતે જઇ આવેદનપત્ર પાઠવ્યું હતું.

અને આવેદન પત્રમાં જણાવેલ કે ધોરાજીના જમનાવડ રોડ પર જે ડામર કામ ની કામગીરી ચાલી રહી છે તે કામગીરી નિયમ મુજબ થતી નથી તેમજ જૂનો રોડ સાફ કર્યા વિના સીધો જ ડામર લગાડી દેવાઈ છે.ડામર ની થિકનેસ ઓછી છે. રોડની સાઈઝ ટૂંકી કરી નખાઈ છે. તેમજ મટીરીયલ નબળું હોવાનો આક્ષેપ કરાયો હતો.

ધોરાજીમાં હાલ ભયંકર માંદગી ગંદકી અને કચરાના ની સમસ્યા સાથોસાથ રોડ રસ્તા ની કફોડી હાલતથી ધોરાજી ની જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે ત્યારે ધોરાજીના એક પણ નેતા ના પેટનું પાણી હલતું નથી જે પ્રજાના મતથી તેઓ ચૂંટાયા છે. તે જનતા જનાર્દન સાથે જ દ્રોહ થતો હોય તેવું નગરજનોની લાગી રહ્યું છે.

(11:36 am IST)