Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

ધોરાજીમાં જય ખોડીયાર ભૂલકાઓની ગરબીમાં કોમી એકતાના દર્શન

ધોરાજી તા.૧૩ : કુંભારવાડા વડલી ચોક ખાતે સરદાર ગૃપ આયોજીત જય ખોડીયાર ભૂલકા ગરબી છેલ્લા ૯ વર્ષથી યોજાય છે. અને આ ગરબીમાં સર્વ હિન્દુ મુસ્લીમ સમાજની દિકરીઓ સાથે રહી નવરાત્રીના ગરબા રમે છે.

કોમી એકતાના પ્રતીક સમાજ ગરબીમાં ગરબી જોવા દૂરથી લોકો આવે છે અને ભૂલકાઓની કલાને બિરદાવે છે. આ ભૂલકા ગરબીમાં હિન્દુ મુસ્લીમ સમાજના કુલ ૫૨૫ બાળકો ગરબી લે છે. આ ગરબી મંડળમાં ડી.જી.બાલઘા, રાજુભાઇ બાલઘા, એ.વી.બાલઘા, દિનેશભાઇ ઠુંમર, ચેતન બાલઘા, જે.વી.બાલઘા, સંજયભાઇ જાગાણી, મહેશભાઇ બાલઘા, સંદીપભાઇ બાલઘા, પરેશભાઇ બાલઘા સહિતના સેવાભાવી યુવાનો પોતાની સેવાઓ આપે છે.

પંચશીલ સોસાયટીની અનોખી ભૂલકા ગરબી

ધોરાજીની પંચશીલ સોસાયટી જમનાવડ રોડ પર આવેલ ભૂલકા ગરબી મંડળ છેલ્લા ૧૩ વર્ષથી ભૂલકાઓ એડીશ્નલ ડ્રેસમાં માની આરાધના કરે છે અને કુલ ૩૫૦ જેટલા ભૂલકાઓ ગરબી લે છે અને બાળકોને લાણીઓ કરાય છે. આ ગરબી મંડળમાં દલસુખભાઇ વાગડીયા, હિરેનભાઇ વૈષ્ણવ, ભાવેશભાઇ હરપાળ, ચાંગેલાભાઇ અને પ્રકાશભાઇ સહિતના કાર્યકર્તાઓ પોતાની સેવાઓ આપે છે.

જશરાજ લોહાણા સેવા સમિતિ દ્વારા રાસ ગરબા

જશરાજ લોહાણા સેવા સમાજ દ્વારા રાસ ગરબા મહોત્સવનું આયોજન કરાયુ હતુ. જેમાં ઉષાબેન કારીયા અને આશાબેન ઉનડકટએ ખેલૈયાઓને માગદર્શન આપેલ અને યુવાનોને મનભરીને રાસ ગરબાની રમઝટ બોલાવી અને દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા બટુકભાઇ કોટક, વિજયભાઇ ઉનડકટ, પંકજભાઇ પોપટ, મુકેશભાઇ ચંદારાણા, પ્રવિણભાઇ હિન્ડોચા, ચિરાગ કારીયા, જીજ્ઞેશ સેદાણી, પ્રદિપ ઉનડકટ, બિદેશ ચંદારાણા સહિત હાજર રહેલ અને બેસ્ટ દેખાવ કરનાર ખેલૈયાઓને સન્માનીત કરાયા હતા.

સાપાતર શાળાનુ ગૌરવ

ધોરાજી તાલુકાની સાપાતર પ્રા.શાળાના શિક્ષક શ્રી નટુભાઇ ગોંઢાના માર્ગદર્શનથી ખેલમહાકુંભ ૨૦૧૮માં શાળાના વિદ્યાર્થી સાગર મિણીયાએ ઉંચીકૂદ સ્પર્ધામાં તાલુકાકક્ષાએ પ્રથમ નંબર મેળવી જિલ્લાકક્ષાનું પ્રતિનિધિત્વ કરેલ છે. તેમજ કલા ઉત્સવ ૨૦૧૮માં શાળાની ધો.૭ની વિદ્યાર્થીની કુંજલ વાઘિયાએ બાળકવી સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે.

સાધુ સમાજનું ગૌરવ

ધોરાજીના નિવૃત પ્રાથમિક શિક્ષણવિદ રમણીકલાલ જી. અગ્રાવતના પુત્ર મયુરકુમાર અગ્રાવત ચેન્નાઇ યુનિવર્સીટીમાંથી અંગ્રેજી વિષયમાં પીએચડી કરેલ છે. મયુરકુમાર હાલ કેનેડાની ડેલહાઉસ યુનિવર્સીટીમાં અંગ્રેજીના પ્રોફેસર તરીકે સેવાઓ આપે છે. પીએચડી માટે કેનેડામાં ગુજરાતી સમાજ દ્વારા મયુરભાઇનું સન્માન કરેલ હતુ. ધોરાજીના રામાનંદી સાધુ સમાજના અગ્રણીઓએ શુભેચ્છાઓ આપેલ હતી.(૪૫.૫)

(4:15 pm IST)