Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

જુનાગઢમાં બાળ સુરક્ષા એકમ દ્વારા વિશ્વબાળ કન્યા દિવસની ઉજવણી

જુનાગઢ, તા.૧૩: જૂનાગઢ બાળ સુરક્ષા એકમ દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની અધ્યક્ષતામાં આજે ૧૧મી ઓકટોબરે મહાનગર જુનાગઢ ખાતે વિશ્વ બાળ કન્યા દીવસની ઉજવણી કરવામાં આવી હતી. અધ્યક્ષીય ઉદબોધનમાં પોલીસ અધિક્ષકશ્રી સૈારભસિંદ્યે આંતરરાષ્ટ્રીય બાળ કન્યા દિવસ પર પોતાનો સંદેશ આપતા જણાવ્યુ હતુ કે  અત્યારે છોકરીઓ શિક્ષણથી લઈને રમતગમત એમ તમામ ક્ષેત્રોમાં નામ રોશન કરી રહી છે. આંતરરાષ્ટ્રીય બાળ કન્યા દિવસ પર તેમની સફળતા અને સિદ્ઘિઓને શત શત વંદન, આપણે ભારતને જાતિ આધારિત અને લીંગભેદના ભેદભાવથી મુકત અને કન્યાઓને તમામ પ્રકારની તકો મળે તેવું રાષ્ટ્ર બનાવવા ખભેખભો મિલાવીને કામ કરવું જોઈએ.

આ પ્રસંગે રાજય બાળ સુરક્ષા આયોગનાં સદસ્યા આરતીબેન જોષીએ બાળકોનાં સર્વાંગી વીકાસ માટે રાજય સરકાર અને બાળ સુરક્ષા આયોગની કામગીરીની વિસ્તૃત જાણકારી આપી જણાવ્યુ હતુ કે રૂઢીગત સમાજ સચનામાંથી બહાર આવી દીકરા-દીકરીનાં ભેદ ભુલીને બાળકોનાં સર્વાંગી કલ્યાણ માટે સમાજ એકહરોળે કામ કરશે ત્યારે સાચી સમાજ રચના બની રહેશે.

આ પ્રસંગે ઇન્સ્ટીટ્યુટ ઓફ સોશ્યલ વર્ક આણંદથી પધારેલ યુનિસેફનાં ડો. નીનાદ ઝાલાએ જણાવ્યુ હતુ કે વિશ્વમાં પ્રાંત પ્રમાણે સ્ત્રીઓ સાથે ઓરમાયુ વર્તન રાખવાની રૂઢીગત સમાજ વ્યવસ્થા બદલવાનો હવે સમય પાકી ગયો છે. નાનાપણથી દીકરા-દીકરી વચ્ચે તુલનાત્મક ભેદભાવ રાખવાથી દીકરીનાં જીવનની  સ્વતંત્ર ઉડાનને અવરોધ થાય છે. સદ્રષ્ટાંત વાતાલોપ દ્વારા ઉપસ્થિતોને આંતરરાષ્ટ્રીય  બાળ કન્યા દિવસની ઉજવણીમાં સમજણ આપી  બાળ કન્યાઓનાં હક્ક અને કાયદાઓ વિશે જાણકારી આપી હતી.

આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા બાળ સુરક્ષા સમીતિનાં અધ્યક્ષા સુશ્રી રમીલાબેન કથીરીયા,  અમુભાઇ પાનસુરીયા, સુશ્રી કિરણબેન રામાણી, પ્રોગામ ઓફીસર સુશ્રી શારદાબેન દેસાઇ, આરોગ્ય અધિકારી ડો. સંજયકુમાર, સાંપ્રત મનોવિકલાંગ દિવ્યાંગોની સંસ્થાનાં મહેન્દ્રભાઇ પરમાર, તાલુકા શિક્ષણાધિકારી ધિરૂભાઇ મુંજપરાએ આંતર રાષ્ટ્રીય બાળ કન્યા દિવસની ઉજવણી પ્રસંગે પ્રાસંગીક વાત કરી સ્વામી વિવેકાનંદનાં વિધાનને ટાંકતા જણાવ્યુ હતુ કે એક શ્રેષ્ઠ બાળકનાં નિર્માણ એ સો વિદ્યાલયનાં નિર્માણ બરાબર છે.  

આ પ્રસંગે પ્રાર્થના જોષી, પરમાર કંચન, અને સિહોરા પ્રિયંકાબેને કન્યા કેળવણી અને કન્યા શિક્ષણ વિષયે પોતાના સ્વાનુભવો રજુ કર્યા હતા. જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સૈારભસિંઘે આંતરરાષ્ટ્રીય બાળ કન્યા દિવસની ઉજવણી પોતાનાં ખર્ચે મોટી કેક મંગાવી શીશુમંગલની બાળાઓ સાથે કેક કાપીને ઉજવણી કરી હતી.

બાદમાં એસ.પી શ્રી સિંઘે શીશુમંગલની દીકરીઓ સંગાથે બેસીને ભોજન ગ્રહણ કરીને અનેકતામાં એકતાનાં દર્શન કરાવ્યા હતા. આ પ્રસંગને શીશુમંગલની દીકરી લક્ષ્મીએ વધાવતા જણાવ્યુ હતુ કે જિલ્લાનાં પોલીસ વિભાગનાં મોટા સાહેબ અમારી સાથે બેસીને જમ્યા અને કેક કાપીને અમારા પરિવારનાં મોભી હોય તેવી પ્રતીતી કરાવી છે. અમને ખુબ આનંદ થયો છે. અમારા જીવનમાં આ પળ યાદગાર બની રહેશે.

આ પ્રસંગે બાળકન્યા આધારીત ટુંકી ફિલ્મ અને સોંગ દ્વારા ઉપસ્થિતોને માહિતગાર કરાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા બાળ સુરક્ષા અધિકારી રમેશભાઇ મહિડા અને ટીમે જહેમત ઉઠાવી હતી.(૨૨.૪)

(12:15 pm IST)