Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

કતપર ગામે પોલીસ બંદોબસ્ત વચ્ચે માલધારી પરિવાર દ્વારા નવરાત્રી

ભાવનગર તા.૧૩: મહુવા તાલુકાના કતપર ગામે થોડા વર્ષો પુર્વે બે કોમ વચ્ચે જુથ અથડામણમાં ગામના સરપંચની હત્યા કરવામાં આવી હતી ત્યારબાદ ભારે તનાવ સર્જાતા આ ગામનો માલધારી પરિવાર ગામ છોડીને અન્યત્ર હિજરત કરી ગયો હતો આ માલધારી પરિવારોનો પુનઃ ગામમાં વસવાટ થાય તે માટે સત્તાવાર તંત્ર અને રાજકીય આગેવાનો દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ તે તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા છે અને સમગ્ર મુદ્દો રાજકીય રંગ પકડવા સાથોસાથ હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો પરંતુ આ અંગે કોઇ નક્કર કાર્યવાહી આજ દિન સુધી થવા પામી નથી પ્રતિવર્ષ માલધારી સમાજ નવરાત્રીના સમયગાળા દરમ્યાન કતપર ગામે આવેલા પોતાના દેવસ્થાનોમાં દર્શન-પૂજન માટે તંત્ર પાસે મદદ માગે છે જે અંતર્ગત આ વર્ષેે પણ માલધારી સમાજના અગ્રણીઓ દ્વારા ગામમાં પ્રવેશી પોતાના દેવસ્થાનો અને માતાના મઢ દર્શન પૂજા અર્ચના માટે ગામની અંદર સુખરૂપ પ્રવેશ કરવા જિલ્લા કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડાની મદદ માગી હતી.

જે અંતર્ગત ડીએસપી ડી.વાય.એસ.પી. મામલતદાર સહિત ૨૦૦થી વધારે પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત હેઠળ માલધારી સમાજના લોકોનો ગામમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો અને તેઓ દ્વારા તેમના દેવસ્થાનોમાં પૂજા દર્શન સહિતના કાર્યો કર્યા હતા.

હાલ તુરંત સુરક્ષા વ્યવસ્થા અકબંધ રાખવામાં આવી છે અને માલધારી સમાજને ફરી પોતાના ઘર તરફ મોકલવામાં આવ્યા હતાં.(૧.૬)

(12:13 pm IST)