Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

કેન્દ્રીય કાપડમંત્રી સ્મૃતિ ઇરાનીના હસ્તે ભુજમાં મહારાવ મદનસિંહજી પ્રતિમાનું અનાવરણ

ભુજ તા. ૧૩ : કેન્દ્રીય કાપડમંત્રી સ્મૃતિ ઇરાનીના હસ્તે આજે ભુજ ખાતે કચ્છના અંતિમ રાજવી મહારાવ શ્રી મદનસિંહજીની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું.

ભુજ નગરપાલિકા અને મહારાવશ્રી મદનસિંહજી ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત સમારોહને સંબોધતાં કેન્દ્રીય કાપડમંત્રી શ્રીમતી સ્મૃતિબેન ઇરાનીએ જણાવ્યું હતું કે, આજે એક એવી વ્યકિતની પ્રતિમા અનાવરણ કરવાનો અવસર મળ્યો છે જેમણે રાષ્ટ્રભકતિ, રાષ્ટ્રસેવાને પોતાના કાર્યોના માધ્યમથી પરિભાષિત કર્યાં છે. વ્યકિતની જીવનની સફળતાનો સૌથી મોટો સંકેત એ છે કે, આજેપણ લોકો તેમના કાર્યો અને સ્વભાવ અને જીવન પરત્વે સમર્પિત છે.

કેન્દ્રીય કાપડમંત્રી સ્મૃતિબેન ઇરાનીએ કચ્છના મહારાવ શ્રી મદનસિંહજી માર્ગનો થયેલો નામાભિધાનનો ઉલ્લેખ કરી  એ માર્ગ ઉપર ચાલનારા લોકો મહારાવશ્રી મદનસિંહજીના જીવન સંસ્કારોથી પ્રેરિત થઇને ભારતમાતાના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાનું યોગદાન દઇ શકે એવી શકિત, સ્વભાવ દરેક નાગરિકને પ્રદાન થાય તેવી અભિલાષા વ્યકત કરી હતી.

સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહિરે આ પ્રસંગે જણાવ્યું હતું કે, પ્રજાના સુખે સુખી અને દુઃખે-દુઃખી એ આપણા હિન્દુસ્તાનની રાજા અને પ્રજા વચ્ચેની પરંપરા રહી છે. પ્રજાના હિત સિવાય કાંઇ વિચારવું નહીં અને કચ્છના રાજવીઓએ તો દેશ-દુનિયાને પોતાના કાર્યો થકી પ્રેરણાદાયી રહ્યા હોવાનું જણાવી તેમણે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજય સરકાર દ્વારા કાર્યક્રમને શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યાં હતા. 

રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહિરના હસ્તે બાદમાં શરદબાગ પેલેસ પાસેના માર્ગને મદનસિંહજી માર્ગના નામાભિધાનની તકતીનું અનાવરણ કરાયું હતું.

કાર્યક્રમના પ્રારંભે મહારાવ મદનસિંહજી ટ્રસ્ટના ટ્રસ્ટી મોહનભાઈ શાહ દ્વારા સ્વાગત તથા કાર્યકમના અંતે આભારદર્શન કરાયું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, ટુરીઝમના ડાયરેકટર અને ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, નગર અધ્યક્ષા લતાબેન સોલંકી, ઉપાધ્યક્ષ ડો. રામભાઈ ગઢવી, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ હરેશભાઈ ભંડેરી, ન.પ.કારોબારી ચેરમેન ભરતભાઈ રાણા, મુકેશભાઈ ઝવેરી, રાજેન્દ્રસિંહ જાડેજા, મહિલા મોર્ચાના દિવ્યાબા જાડેજા, પૂર્વ સાંસદ પુષ્પ્દાનભાઈ ગઢવી, ઉપન્દ્રભાઈ ઉપાધ્યાય, જયેશ ઠકકર, આશાપુરા મંદિરના જર્નાદનભાઈ દવે, રૂદ્રાણી જાગીરના રૂપાભાઈ ચાડ, મહંત, માતાના મઢ ટ્રસ્ટના પ્રવિણસિંહ વાઢેર,  કિરીટભાઈ સોમપુરા સહિતના અગ્રણીઓ અને રાજ પરિવારના હનુમંતસિંહ, શાલિનીકુમારી, સઘુરાજસિંહ, દેવેન્દ્રસિંહ, અધિકારીગણ અધિક કલેકટર ડી.આર.પટેલ, ભુજ પ્રાંત આર.જે.જાડેજા સહિત શહેરના અગ્રગણ્ય નાગરિકો ઉપસ્થિત રહયા હતા.(૨૧.૧૨)

(12:13 pm IST)