Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

આત્મહત્યા કરનાર ખેડૂતના પરિવારજનોને ૧પ લાખની

સહાય આપવા અર્જુનભાઇ મોઢવાડિયાની માંગણી

પોરબંદર, તા. ૧૩ :  પાક નિષ્ફળ જવાને કારણે રાણાવાવ તાલુકાના મહિરાના ખેડૂત વિરમભાઇ ઓડેદરાએ કરેલ આત્મહત્યાના બનાવને પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડિયાએ દુઃખદ ગણાવીને ખેડૂતના પરિવારજનોને ૧પ લાખની સહાય આપવા માંગણી કરી છે.

પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના મહિરા ગામના ખેડૂતે પાક નિષ્ફળ જજવાને કારણે ન ભરી શકવાને કારણે આર્થિક બોજા દબાણ હેઠળ આવી જઇને વિરમભાઇ મસરીભાઇ ઓડેદરા નામના ખેડૂતે આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ ઘટનાને દુઃખદ અને આઘાતજનક ગણાવતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે દુષ્કાળને કારણે ચોમાસુ પાક નિષ્ફળ જવાના ભયથી ખેડૂતો આત્મહત્યાના દુઃખદ પગલાઓ ભરી રહ્યા છે ત્યારે રાજય સરકારે સત્વરે આ બાબતે સંવેદનશીલ અને ગંભીર બની જયાં ઓછો વરસાદ નોંધાયો છે તેવા અસરગ્રસ્ત તાલુકાઓને સત્વરે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા જોઇએ અને ખેડૂતોને ૧૦૦ ટકા પાક વિમો પુરો પાડવાની ખાત્રી આપવાની સાથે સાથે ખેડૂતોનાં તમામ ધિરાણો માફ કરવાની જાહરેાત કરવી જોઇએ તેની માંગ કરી છે અને સાથે સાથે આત્મહત્યાનો ભોગ બનનાર ખેડૂતના પરિવાજનોને સત્વરે ૧પ લાખની આર્થિક સહાય આપવાની પણ માંગ કરી છે.

પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષ નિર્માણ પામેલી દુષ્કાળની સ્થિતિને કારણે પાક નિષ્ફળ જવાથી અને દેવાના બોજ તળે દબાઇને ખેડૂતો આત્મહત્યાના પગલાઓ ભરવા મજબુર બની રહ્યા છે. ખેડૂતોને આત્મહત્યા કરવા મજબુર ન બનવું પડે તે માટે રાજય સરકારે તાત્કાલિક અસરથી અસરગ્રસ્ત તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા તેમજ ખેડૂતોને ૧૦૦ ટકા પાક વિમો ચુકવવા અને ખેડૂતોના જુના દેવાઓ માફ કરવાની માંગણી રાજય સરકાર સમક્ષ કરી છે. (૯.૬)

(12:09 pm IST)