Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

હળવદમાં ખેડૂતોને પાયમાલ કરવાનું કારસ્તાનઃ ક્રોપ કટિંગમાં વીમા કંપનીને ફાયદો કરવાનુ ષડયંત્ર

કિશાન સંગઠનની ફરિયાદ બાદ ગુન્હો નોંધવા તજવીજ

હળવદ, તા.૧૩: એક તરફ ઓણસાલ અપૂરતો વરસાદ થતાં ખેડૂતો પાયમાલ થવાને આરે ઉભા છે ત્યારે વીમા કંપની ખેડૂતોને પોતાના હક્કના પાકવિમાના નાણાં ન મેળવી શકે તેવું ષડયંત્ર રચી છેતરપિંડીથી ક્રોપ કટિંગ કરી કપાસના ઉંચા ઉતારા દેખાડવા કારસ્તાન કરતા આ મામલે કિશાન સંગઠન દ્વારા હળવદ પોલીસ મથકમાં લેખિત ફરિયાદ કરતા પોલીસે ક્રોપ કટિંગમાં ઘાલમેલ કરનાર કર્મચારીઓ વિરુદ્ઘ ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી છે.

ગુજરાત કિશાન સંગઠન સુરેન્દ્રનગર જીલ્લાના પ્રમુખ રતનસિંહ વજુભાઈ ડોડીયાએ હળવદ તાલુકા પોલીસ મથકમાં લેખિત ફરીયાદ નોંધાવી છે જેમાં જણાવ્યા મુજબ હળવદ તાલુકામાં ઘનશ્યામપુર ગામે તા. ૨૬-૯-૨૦૧૮ ના રોજ સવારના ૮.૩૦ કલાકે દલવાડી ભગવાનભાઈ ખીમાભાઈના સર્વે નંબર ૯પપ માં યુનિંવર્સલ સોમ્પો કંપનીના અધિકારી રવિભાઇ કાપડીયા ઝોનલ હેડ જેનો મોબાઈલ નંબર ૯૫૧૨૦ ૨૨૧૬૦ તથા શ્રેયશભાઈ જેનો મોબાઈલ નં. ૭૪૦૦૪૩૪૬૦૩ અને જીલ્લા વિસ્તરણ આંકડા અધિકારી ચૌહાણ જેનો મોબાઈલ નં.૯૪ર૮૧ ૪૭૩૨૭ તથા યુર્નિવર્સલ સોમ્પો ના કો - ઓર્ડિનેટર ભરતભાઈ ચૌહાણ તથા ગ્રામસેવક જય ભાલોડીયા જેઓ ક્રોપ કટિંગ કરવા આવેલ અને તેઓએ ખેડૂતને અભણ અજાણ સમજી ક્રોપ કટીંગના નિયમો નેવે મુકીને સવારે ૮.૩૦ કલાકે ઝાંકળ વાળા વાતાવરણમાં કપાસનું ક્રોપ કટિંગ કરેલ અને કોથળી સહીત વજન કરેલ તથા ૫ થી ૧૦ મીટરમાં ૩ હાર આવતી હોવા છતા ૪ હાર નુ ક્રોપ કટિગ કરેલ જેથી ૧૦ મીટરમાં અંદાજે ૧ કીલો ૯૦૦ ગ્રામ જેટલું વજન એટલે પ્રતિ હેકટર ૩૮૦ કિલો જેટલું વધારે ઉત્પાદન બતાવેલ જેથી હળવદ તાલુકામાં અંદાજે ૩૦૦૦૦ હેકટરમાં ખેડૂતોએ વિમો લીધેલ હોય તો ૧,૧૪,૦૦,૦૦૦-૦૦ કિલોનું વળતર ઓછુ ચુકવવું પડે જેથી વીંમા કંપનીને ૫૮,૧૪,૦૦,૦૦૦ ફાયદો કરાવવા માટે ક્રોપ કટિંગ માં ગેરરીતી કરેલ હોવાનો આરોપ લગાવેલ છે.

વધુમાં બીજી વખત ક્રોપ કટિંગ માં તા. ૧૦-૧૦-૧૮ ના રોજ સાંજના ૪.૦૦ કલાકે યુર્નિવર્સલ સોમ્પો ના ઝોનલ હેડ તેજસભાઈ સોની તથા કંપનીના ટેંકનીશ્યન અજીત સાવંત, કૌશીકભાઈ,અને અમીતભાઈ આ ત્રણેય કંપનીના ટેકનીશ્યન તથા વિસ્તરણ અધિકારી બેલાબેન તથા ડી. બી. ગજેરા જીલ્લા ખેતીવાડી અધિકારીની રૂબરૂમાં ફરી વખત ક્રોપ કર્ટિગ કરેલ જેમાં ૫ થ ૧૦ મીટરમાં પ્લોટ માપતા ત્રણ હાર સમાયેલ અને આગળના ક્રોપ કટિંગમાં જે ભુલ કરેલ જેથી હળવદ તાલુકાના તમામ ખેડૂતોને મોટુ નુકશાન જાય તેમ હોય અને વિમા કંપની યુનિવર્સલ સોમ્પોને લાગતા વળગતા અધિકારીઓ અને કર્મચારીઓ કે જેઓ વિમા કંપનીને ફાયદો જ પહોંચાડી અને ખેડૂતો સાથે વિશ્વાસદ્યાત અને છેતરપિંડી કરેલ હોય જેથી તટસ્થ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરી હતી.આ મામલે હળવદ પોલીસ મથક દ્વારા કિશાન સંગઠનની લેખિત ફરિયાદ લઈ વીમા કંપનીને ફાયદો કરાવવાનો કારસો ઘડનાર સોમ્પો કંપનીના માણસો વિરુદ્ઘ ગુન્હો નોંધવવા તજવીજ હાથ ધરી હોવાનું સૂત્રોએ અંતમાં જણાવ્યું હતું.(૨૩.પ)

(12:07 pm IST)