Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

જસદણનાં આલણસાગર ડેમમાં નર્મદા-નીર ઠલવાશેઃ ૧પ૦ કરોડની પાઇપ લાઇનનું કુંવરજીભાઇના હસ્તે ખાત મુહૂર્ત

જસદણ-વિંછીયા પંથકમાં પીવાના પાણીનું લાંબા ગાળાનું આયોજન

આટકોટ તા. ૧૩ :.. જસદણ શહેરની પીવાના પાણી માટેનાં જીવાદોરી સમાન આલણ-સાગર ડેમને નર્મદા આધારીત સૌની યોજના અંતર્ગત સોમલપરથી આલણસાગર ડેમને જોડતી ૧પ૦ કરોડ રૂપિયાના ખર્ચ નંખાનાર પાઇપ લાઇનનું ગઇકાલે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ ના હસ્તે ખાત મુહુર્ત કરવામાં આવતા જસદણ શહેર અને આજુબાજુનાં ગામોમાં ખુશી છવાઇ જવા પામી છે.

ગઇકાલે બપોરે દેવપરા ગામ પાસેથી પસાર થતી પાઇપ લાઇનમાંથી જયાંથી જોડાણ કરવાનું છે ત્યાં કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, પૂર્વ ધારાસભ્ય ભરતભાઇ બોઘરા, જીલ્લા ભાજપ પ્રમુખ ડી. કે. સખીયા, મહામંત્રી ભાનુભાઇ મહેતા સહિત સ્થાનીક પાલિકાના સભ્યો સહિત તાલુકાભરના આગેવાનોની હાજરીમાં ખાતુ મુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું કે જસદણ-વિંછીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોનાં પીવાના પાણીનો કાયમી પ્રશ્ન હલ થાય તે માટે લાંબાગાળાની યોજનાઓનું આયોજન સરકાર કરી રહી છે. જેના ભાગરૂપે હાલ ૮૦ કરોડ જેટલા કામો મંજૂર પણ કરી દેવામાં આવ્યા છે.

કુંવરજીભાઇએ વધુમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં જસદણ-વિંછીયા વિસ્તારના લોકોનાં સર્વાંગી વિકાસ માટે મહત્તમ કામો થાય તે માટે અમો કટીબધ્ધ છીએ અને આ પંથકના લોકોમાં વિકાસની અપેક્ષા છે. તે અમે પુર્ણ કરીશું. રાજકોટ પછી પશુપાલન વિભાગ દ્વારા પશુઓની સારવાર માં જીલ્લા કક્ષાનું બીજુ મોટુ પશુ દવાખાનું જસદણમાં કાર્યરત થશે જેમાં પશુઓને ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવશે.

આ પ્રસંગે સૌરાષ્ટ્ર કચ્છની સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચેરમેન ડો. ભરતભાઇ બોઘરા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ડી.કે. સખીયા અને પ્રકાશભાઇ સોનીએ પ્રસંગોચિત ઉદબોધનો કર્યા હતા. તેઓએ કેન્દ્ર  અને રાજય સરકારની પીવાના તથા સિંચાઇના પાણી, વીજળી, સહકારી અને ખેડૂતોની પ્રોત્સાહક અને અન્ય યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી હતી. તેઓએ સરકારશ્રીની યોજનાઓના  પ્રચાર-પ્રસાર ઉપર ભાર મુકયો હતો.

આ પ્રસંગે મહામંત્રીશ્રી ભાનુભાઇ મેતા, શ્રી રવજીભાઇ સરવૈયા, ભાડલાના સરપંચશ્રી રમેશભાઇ રાઠોડ, શ્રી અશોકભાઇ મહેતા, શ્રી ચંદુભાઇ કચ્છી, શ્રી અનિલભાઇ મકાતી, શ્રી રાજુભાઇ ધાધલ, શૈલેષભાઇ રાઠોડ, ભરતભાઇ બી.બી.સી., મુન્નાભાઇ, વલ્લભભાઇ હીરપરા, વિનુભાઇ રામાણી, અશોકભાઇ ચાંવ, જસદણ નગરપાલિકાના પ્રમુખશ્રી જીજ્ઞેશભાઇ,  પુર્વ પાલિકા પ્રમુખ રમાબેન મકવાણા, કાર્યપાલક ઇજનેરશ્રી વી.કે.વોરા, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી જી.સી. ગોંડલીયા, મામલતદારશ્રી ધાનાણી, તાલુકા વિકાસ અધિકારીશ્રી બેલીમ વિગેરે ઉપસ્થિત રહયા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ખોડાભાઇ ખસીયા અને આભાર દર્શન શ્રી ધીરૂભાઇ રામાણીએ કર્યુ હતું.  (પ-૧૬)

(12:02 pm IST)