Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

સૌરાષ્ટ્રને હજુ ઘમરોળશે મેઘરાજા : કાલે દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગરમાં અતિભારે વરસાદની આગાહી

15મીએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના: ગુજરાતમાં આગામી 5 દિવસોમાં વરસાદની શક્યતા

અમદાવાદ : હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ રાજ્યમાં આજે વરસેલા વરસાદ અને આગામી પાંચ દિવસની આગાહી વિશે ચર્ચા કરી હતી. હવામાન વિભાગ અનુસાર 14મી તારીખે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગરમાં અતિભારે વરસાદની સંભાવના છે. જોકે, 14મી તારીખે વધારે ભારે વરસાદ ઉપરોક્ત સિવાયના જિલ્લાઓમાં નહીં પડે.

જોકે 15મી તારીખે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ત્રીજા દિવસે 15મી દિવસે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં એક લો પ્રેશર બન્યું છે અને ચોમાસું નીચેથી પસાર થઈ રહ્યુ છે જેના કારણે ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે. ઓરિસ્સા પર પણ એક લો પ્રેશર સર્જાયું છે.

આ લો પ્રેશર ત્રીજા દિવસે મધ્ય પ્રદેશ સુધી આવી શકે છે. આના લીધે ક્યાંક ક્યાંક ભારેથી અતિભારે અને ક્યાંક અને ભારે વરસાદ થશે. જૂનાગઢ અને રાજકોટમાં અતિભારે વરસાદની સંભાવના છે. પાંચ દિવસમાં ખૂબ વધારે સક્રિય વરસાદ રહેશે. ગુજરાતમાં આગામી 5 દિવસોમાં વરસાદની સંભાવના છે. પરમ દિવસે પણ અતિભારે વરસાદની સંભાવના છે.

મનોરમા મોહંતીએ જણાવ્યું કે સૌરાષ્ટ્ર કચ્છમાં જેટલો વરસાદ વરસવો જોઈતો હતો એટલો વરસી ગયો છે. રાજ્યમાં સમગ્ર રાજ્ય સ્તરે હજુ પણ કેટલીક ઘટ છે. જોકે, 15મી તારીખ સુધી અને ત્યારબાદ પણ વરસાદની શક્યતાઓ હોવાના કારણે વરસાદની ઘટ લગભગ પહોંચી વળશે. રાજ્યમાં સપ્ટેમ્બરની તુલનામાં તો વધારે વરસાદ પડ્યો છે.

જામનગર-રાજકોટ-જૂનાગઢ જિલ્લામાં વરસેલા અનરાધાર વરસાદનું કારણ દક્ષિણ ગુજરાતમાં સક્રિય થયેલું એક લૉ-પ્રેશર કારણભૂત છે. ચોમાસું પણ એકદમ નીચેથી પસાર થઈ રહ્યુ છે તેના કારણે સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ થઈ રહ્યો છે. અનુમાન કરવામાં આવ્યું હતું તે મુજબ જામનગર- રાજકોટ-જૂનાગઢમાં વરસાદ વરસી રહ્યો છે.

(10:42 pm IST)