Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

ખંભાળિયા, ભાણવડમાં ત્રણ સ્થળોએ જુગાર દરોડામાં મહિલાઓ સહિત ૧૮ ઝડપાયાઃ બે ફરાર

જામખંભાળિયા,તા. ૧૩: દેવભૂમિ દ્વારકા જિલ્લા ના મુખ્ય મથક ખંભાળિયા અને ભાણવડ તાલુકામાં શુક્રવારે પોલીસ દ્વારા ત્રણ સ્થળોએ જુગાર દરોડા પાડવામાં આવ્યા હતા. પ્રથમ દરોડામાં ખંભાળિયા તાલુકાના દાત્રાણા ગામની સીમમાં રહેતા માંડણ રામભાઈ ચાવડા નામના શખ્સ દ્વારા પોતાના કબજા ભોગવટાની વાડીની ઓરડીમાં પોતાના અંગત આર્થિક ફાયદા માટે નાલ ઉઘરાવી, ચલાવતા જુગારના અખાડા પર સ્થાનિક પોલીસે દરોડો પાડયો હતો.

આ સ્થળે ગંજીપાના વડે જુગારની મોજ માણી રહેલા એભા આલા ચાવડા, રાયદે સુકા ચાવડા, આલા કારા કરંગીયા, સાજણ રામભાઈ લગારીયા, રાજુ ડાયાભાઈ પરમાર અને સોમાત કેશુરભાઈ ગોજીયા નામના છ શખ્સોને પોલીસે દબોચી લીધા હતા.

પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા ૧,૦૩,૫૦૦ રોકડા તથા રૂપિયા ૮,૫૦૦ની કિંમતના પાંચ નંગ મોબાઈલ ફોન અને રૂપિયા ૨૫ હજારની કિંમતની એક મોટરસાયકલ મળી, કુલ રૂપિયા ૧,૩૭,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરોડા દરમિયાન ભાતેલ ગામનો અજીતસિંહ નાથુભા જાડેજા અને વાડી માલિક માંડણ રામભાઈ ચાવડા ફરાર થઈ ગયા હોવાનું જાહેર થયું છે.

અન્ય એક દરોડામાં ખંભાળિયાના દત્ત્।ાણી નગર વિસ્તારમાંથી પોલીસે શુક્રવારે સાંજે જાહેરમાં ગંજીપાના વડે તીનપતીનો જુગાર રમી રહેલા વિજયાબેન ભગવાનજીભાઈ તન્ના, મૈયાબા ભરતસિંહ ચુડાસમા, ઇન્દુબેન અશોકભાઈ ગોસ્વામી, કંચનબા અનોપસિંહ જાડેજા, ગીતાબા ભરતસિંહ ચુડાસમા અને હંસાબેન બાબભાઈ નામના સાત પ્રેમીઓને જુગાર રમતા ઝડપી લઈ, કુલ રૂપિયા ૩૦,૪૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રાત્રિના પોણા બે વાગ્યે સ્થાનિક પોલીસે જુગાર દરોડો પાડયો હતો. જેમાં ગ્રામ પંચાયત ઓફિસની પાસે સ્ટ્રીટલાઇટના અજવાળે જાહેરમાં ગંજીપાના વડે તીનપતીનો જુગાર રમી રહેલા ગઢવી જોધા અરજણ લુણા, હાજા વરજાંગ રૂડાચ, વેજાણંદ કારા કંડોરીયા, ભરત રાયાભાઈ રૂડાચ અને બુધા વેરશી લુણા નામના પાંચ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.

પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા ૧૩,૧૬૦ ની રોકડ રકમ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.

(2:06 pm IST)