Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સચરાચર મેઘમહેર ખંભાળિયામાં ધોધમાર સાડા પાંચ ઇંચ વરસાદ

ભાણવડ તાલુકામાં પણ સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો : નદી, નાળા, ડેમ, ચેકડેમમાં નવા નીરલૃ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૩ : ખંભાળિયા પંથકમાં શનિવારના બફારા ભર્યા માહોલ બાદ રાત્રીના આશરે બારેક વાગ્યે ધીમીધારે શરૂ થયેલા વરસાદે થોડી જ વારમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને જોરદાર પવન તથા ગાજવીજ સાથે મુશળધાર વરસાદ તૂટી પડયો હતો. ગાઢ અષાઢી માહોલ જેવા વાતાવરણમાં એકાદ કલાક સુધી ભારે વરસાદ વરસતા ઠેર- ઠેર પાણી ચાલી નીકળ્યા હતા. વાઝડી જેવા આ વરસાદના કારણે રાત્રીના થોડો સમય વીજપુરવઠો ખોસ્વાઈ ગયો હતો. આમ, રાત્રિના એકાદ કલાક જેટલા સમયગાળા દરમિયાન દોઢ ઈંચ (૩૯ મીમી) વરસાદ વરસી ગયો હતો.  
આ પછી થોડો સમય મેઘરાજાએ પોરો ખાધા બાદ ગઈકાલે રવિવારે સવારના આશરે સાતેક વાગ્યે પુનઃ એકાદ ઈંચ જેટલું પાણી વરસાવી દીધું હતું. આમ, ગઈકાલે રવિવારે દિવસ દરમિયાન પણ ગાઢ અષાઢી માહોલ વચ્ચે રાત્રિ સુધીમાં કુલ સાડા પાંચ ઈંચ (૧૩૭ મિલીમીટર) પાણી વરસી ગયું હતું.
આ વરસાદના પગલે અનેક જળસ્ત્રોતોમાં નોંધપાત્ર નવા નીરની આવક થવા પામી હતી. જો કે ઉપરવાસના અનેક નાના-મોટા ચેકડેમ અધુરા હોવાના કારણે શહેરને પાણી પૂરું પાડતા ઘી ડેમમાં નવા નીરની આવક શરૂ થઇ હતી અને ગઈકાલે દિવસ દરમિયાન ડેમમાં નવું દોઢ ફૂટ પાણી આવી ગયું હતું. હાલ ડેમની સપાટી સાડા છ ફૂટની છે.
ખંભાળિયા- જામનગર રોડ ઉપર આવેલા મહત્વના સિંહણ ડેમમાં આજના વરસાદથી આશરે અઢી ફૂટ જેટલું પાણી આવતા ડેમની સપાટી નવ ફૂટ સુધી પહોંચી છે. હવે જો વધુ મુશળધાર વરસાદ આવે તો તાલુકાના મોટા જળસ્ત્રોતોમાં પાણીનો પર્યાપ્ત જથ્થો સંગ્રહિત થઈ જાય તેવી પરિસ્થિતિ છે. ખંભાળિયા નજીકના કોટા તથા ભાણવડ રોડ ઉપરના જાનીપીર ચેકડેમ ઓવરફલો થઈ જતાં નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા. ગતરાત્રીના ખંભાળિયા પંથકમાં વીજળીના કડાકા-ભડાકા થયા હતા. પરંતુ વરસાદ વરસ્યો ન હતો. આજે સવારથી ઘટાટોપ વરસાદી વાતાવરણ વચ્ચે હળવા છાંટા અવીરત રીતે વરસ્યા હતા. હાલ ખંભાળિયા તાલુકામાં પાક-પાણીનુ ચિત્ર સુધરી ગયું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં પણ ગઈકાલે સવારથી શરૂ થયેલી મેઘ મહેર બપોર સુધી વરસી હતી. ભાણવડ તાલુકામાં શનિવારે આઠ મીમી બાદ ગઈકાલે રવિવારે ધોધમાર ચાર ઈંચથી વધુ (૧૦૨ મીલીમીટર) તથા આજે સવારે પણ હળવા ઝાપટા રૂપે ચાર મિલીમિટર મળી, છેલ્લા બે દિવસના સમયગાળા દરમિયાન કુલ ૧૧૪ મીલીમીટર (સાડા ચાર ઈંચ) વરસાદ વરસી ગયાનું નોંધાયું છે.
આ સાથે કલ્યાણપુર તાલુકામાં પણ ભારે ઝાપટા રૂપે ગઈકાલે રવિવારે દિવસ દરમિયાન અડધો ઈંચ (૧૫ મી.મી.) વરસાદ વરસી ગયો હતો. જો કે દ્વારકા તાલુકામાં મેઘરાજાએ બે દિવસ દરમિયાન મહેર વરસાવી નથી.
આજે સવાર સુધીમાં ખંભાળિયા તાલુકામાં કુલ ૭૩૫ મિલીમીટર વરસાદ વરસી ગયો હોવાનું નોંધાયું છે. જયારે કલ્યાણપુર તાલુકામાં કુલ ૬૮૬ મી.મી., ભાણવડ તાલુકામાં કુલ ૫૯૧ મી.મી., અને દ્વારકા તાલુકામાં ૪૮૧ મિલીમીટર વરસાદ વરસી ગયું હોવાનું નોંધાયું છે. ગઈકાલે રવિવારે ખંભાળિયા સહિત જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી ગયા બાદ બપોર પછી મેઘરાજાએ વિરામ રાખ્યો હતો. આજે સવારથી પુનઃ વરસાદી માહોલ છવાયો છે અને હવામાન ખાતાની આગાહી સાથે વધુ વરસાદ વરસવાની સંભાવના વ્યકત કરાઇ રહી છે.

 

(1:36 pm IST)