Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

કાલાવડમાં બે કલાકમાં પાંચ ઇંચ : સડોદરમાં ૬ ઇંચ

જામનગર જિલ્લામાં હેત વરસાવતા મેઘરાજા : કાલાવડમાં ગઇકાલથી આજે સવારના ૧૦ વાગ્‍યા સુધીમાં ૧૫ ઇંચ ખાબક્‍યોઃ જામનગરમાં ધોધમાર વરસાદ વરસતા મુંબઇથી આવતી તમામ ટ્રેનોને રાજકોટ રોકી દેવામાં આવી : જામનગર - રાજકોટ વચ્‍ચે એસટી અને ટ્રેન વ્‍યવહાર થંભી ગયો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૩ : જામનગર જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે અને અનેક જગ્‍યાએ ભારેથી અતિભારે વરસાદ વરસ્‍યો છે. જેમાં સૌથી વધુ વરસાદ જામનગર જિલ્લાના કાલાવડમાં નોંધાયો છે. આજે સવારે કાલાવડમાં બે કલાકમાં વધુ પાંચ ઇંચ વરસાદ નોંધાતા ગઇકાલ સવારથી આજે સવારના ૧૦ વાગ્‍યા સુધીમાં ૧૫ ઇંચ વરસાદ ખાબક્‍યો છે.
કાલાવડમાં ધોધમાર વરસાદ વરસતા નિચાણવાળા વિસ્‍તારોમાં પાણી ફરી વળ્‍યા હતા. નદી-નાળા તથા ડેમમાં નવા નીર આવ્‍યા છે. આ લખાય છે ત્‍યારે સવારે ૧૧ વાગ્‍યે પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.
જામજોધપુર જિલ્લાના સડોદરમાં ૬ ઇંચ વરસાદ વરસ્‍યો હોવાનું અકિલાના પ્રતિનિધિ મધુકાંતભાઇ મહેતાએ જણાવ્‍યું છે.
જામનગરમાં ધોધમાર વરસાદ વરસતા મુંબઇથી આવતી તમામ ટ્રેનોને રાજકોટ રોકી દેવામાં આવી છે. જામનગર - રાજકોટ વચ્‍ચે એસટી અને ટ્રેન વ્‍યવહાર થંભી ગયો છે. જામનગરમાં વરસાદી કહેર વચ્‍ચે શહેરની ભાગોળે આવેલા મહાપ્રભુજીની બેઠક પાસેના વિસ્‍તારમાં લોકોના ઘરમાં પાણી ઘુસ્‍યા હતા અને મુખ્‍ય ૨૬ નંબરનો સ્‍ટેટ હાઇવે પાણી ભરાવાના કારણે બંધ થઇ ગયો હતો.

 

(11:54 am IST)