Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

જુનાગઢ જિલ્લામાં અવિરત વરસાદ : પુરની પરિસ્થિતિ

લોકો ગોઠણ ડુબ પાણીમાં જીવવા મજબૂર : ઘેડનાં ૧૦ ગામ સંપર્ક વિહોણાં થયા : ઘણા ગામનાં રસ્તા બંધ : ઓઝત, ઉબેણ, મધુવંતી, સાબલી નદીએ ઘમરોળ્યું

અમદાવાદ, તા.૧૩ : જૂનાગઢ જિલ્લામાં છેલ્લા પંદર દિવસથી મેઘરાજાએ જોરદાર જમાવટી કરી છે અને તેમાં પણ છેલ્લા ત્રણ દિવસથી ખુબ વરસાદ પડી રહ્યો છે. ઓઝત બે કાંઠે વહી રહી છે. ઓઝતના પૂરના પાણી ઘેડ પંથકમાં ફરી વળતાં તેના કારણે સમગ્ર ઘેડ પંથક બેટમાં ફેરવાઇ ગયું છે. ઘેડનાં લોકો જાણે બેઘર થઇ ગયાં છે. પુરની સ્થિતિ ઓસરતાં ઘેડની વાસ્તવિક સ્થિતિ સામે આવી હતી., આજે પણ ઘેડનાં અનેક ગામડાઓનાં જવાનાં રસ્તે પાણી ભરેલા છે. એટલું જ નહીં ઘેડનાં ગામડાઓમાં ગોઠણ-ગોઠણ સુધી પાણી છે. ઓઝત, ઉબેણ, મધુવંતી, સાબલી નદીના પાણીએ જાણે સમગ્ર ઘેડ પંથકને ઘમરોળી નાંખ્યું હતું. તો કેશોદ, માણાવદર, માંગરોળના ૨૪ જેટલા ગામોમાં પૂરની સ્થિતિ બની છે. પૂરને લઇ કેશોદ, માંગરોળ અને માણાવદરનાં અનેક ગામો હજુ પાણીમાં ગરકાવ છે. કેશોદનાં બામણાશા, મધડા, મુળીયાસા, અખોદર, સરોડ, પાડોદર, પંચાળા, બાલાગામ, બાંટવાનાં કડેગી, અમીપુર, ઘેડ બગસરા, હંટરપુર, ફુલેરા સહિતનાં ગામોમાં પાણી ભરેલા છે. આ ગામો બે દિવસથી સંપર્ક વિહોણા છે. ઓઝત, મધુવંતી, ઉબેણ, સાબલી નદીના પૂરના પાણીએ ઘેડ પંથકને ઘમરોળી નાંખ્યો છે. ઘરોમાં પાણી ભરેલા હોય લોકોએ છતનો આશરો લેવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

              ઘેડનાં ૨૪ ગામના લોકો આપત્તિજનક સ્થિતિમાં જીવી રહ્યા છે. જેમાંથી ૧૦ ગામો તો હજુ સંપર્ક વિહોણા છે. આ વિસ્તારમાં હજુ ગોઠણડુબ પાણી ભરેલા છે. ઘેડનાં ગામડાઓનાં ઘરોમાં ગોઠણ સુધી પાણી ભરાઇ લોકોની હાલત કફોડી બની છે. ખાસ કરીને મહિલાઓ, બાળકો અને બિમાર, અશકત, વૃધ્ધોની હાલત દયનીય બની રહી છે. મગફળીનાં ખેતરોમાં ગોઠણસુધી પાણી પાણી ભરાઇ ગયાં હોઇ આ પંથકમાં મગફળીનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે. તો, મુંગા પશુઓની હાલત કફોડી બની છે. ત્યારે પશુ માલિકો સંઘર્ષ કરી રહ્યાં છે.

          ઘેડનાં માર્ગો પર હાલ વાહન વ્યવહાર બંધ છે. લોકો ઉંટગાડીનો સહારો લઇ રહ્યાં છે. હાલ અહીં અન્ય વાહન ચાલી શકે તેમ નથી. ઘેડનાં અનેક ગામડાઓમાં હજુ પણ પાણી ભરેલા છે. લોકો ગોઠણડુબ પાણીમાં અવર-જવર કરી રહ્યાં છે. પાડોદરથી બામણાસા, બામણાસાથી મંડોદરા, સરોડ થી બામણાસા, આખાથી બામણાસા, અખોદરથી પાડોદર, પંચાળાથી અખોદર, અખોદર જવાનાં રસ્તાઓ બંધ છે. જેમાં પાણી ઓસરવાનું નામ લેતું નથી. તેમાં પણ અખોદર અને બામણાસા, સરોડ સંપર્ક વિહોણા બન્યાં છે.

(8:14 pm IST)