Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

ગણેશ વિસર્જન વેળા બાલાચડીના દરિયામાં ડુબી જતા જામનગરના ગિરનારી યુવાનનું મોત

જામનગર તા.૧૩ : જામનગર નજીક આવેલ બાલાચડીના દરિયામાં જામનગરના રાજુભાઇ જેરામભાઇ ગીરનારી (ઉ.૪૦) નું ગણેશજીની મૂર્તિના વિસર્જન સમયે ડુબી જવાથી મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.

જામનગર શહેરમાંથી તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં લોકો ગણેશ વિસર્જન માટે બાલાચડીના દરીયા કિનારે ઉમટી પડયા હતાં. કાલે સવારથી બાલાચડી દરીયા કિનારે ભીડ જામી હતી. ત્યારે જામનગર શહેરના હવાઇ ચોકમાં રહેતાં અને પાન-મસાલાની દુકાન ધરાવતાં રાજેશ જયરામભાઇ ગીરનારી  (ઉ.૪૦) નામના યુવક પણ બાલાચડી ગણેશ વિસર્જનમાં ગયા હતાં ત્યારે બપોરના અઢીથી ત્રણ વાગ્યા દરમ્યાન તેઓ ઉંડા પાણીમાં ગરક થઇ જતાં ડૂબવા લાગ્યા હતાં.

જેથી તેઓની સાથે રહેલા લોકોએ તેમને બહાર કાઢયા હતાં. તાત્કાલીક સારવાર માટે જાંબુડામાં આવેલા સીએચસી સેન્ટર ખાતે લઇ ગયા હતાં. પરંતુ ત્યાં પહોંચે તે પહેલા જ યુવકનું મૃત્યુ નિપજયું હતું.

આ બનાવ અંગેની પોલીસને જાણ થતાં પંચકોશી એ. ડીવીઝનનો પોલીસ સ્ટાફ પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળીને પીએમ માટે મોકલી આપ્યો હતો. આ બનાવની જાણ જોડીયા પોલીસ સ્ટેશનમાં કરી છે.

આજે સવારે રાજેશભાઇ જેરામભાઇ ગિરનારીની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાન ખારવા ચકલો-ટીંબાફળી ખાતેથી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા રાજેશભાઇ ગિરનારીના અવસાનથી જગદીશભાઇ ગીરનારી, ઉમેશભાઇ (બાબાલાલ) ગીરનારી ઇશ્વરભાઇ ગીરનારી સહિત પરિવાર અને સગાસંબંધીઓમાં ઘેરો શોક છવાયો છે.

(11:49 am IST)