Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

લોકો પણ નવતર દ્રશ્ય જોઇ નવાઇ પામ્યાઃ પ્રજાને બદલે ફકત પોલીસના જ દંડ થતા'તા

હેલ્મેટ વગર ઘરની બહાર નિકળેલ પોલીસ સ્ટાફના ફટોફટ દંડ કરવા માટે ભાવનગરમાં પોલીસ હેડ કવાર્ટર નજીક સ્પેશ્યલ બુથ ઉભુ કરાયું : પ્રજા અને પોલીસ વચ્ચે સંઘર્ષ થતો અટકાવવા અને સૌ પ્રથમ દંડ, દંડા પછાડનાર પાસેથી વસુલવા માટે આ પ્રયોગ કર્યો છેઃ ડીઆઇજી અશોકકુમાર યાદવ સાથે અકિલાની વાતચીત

રાજકોટ, તા., ૧૩:  દેશભરમાં ટ્રાફીક આચાર સંહિતાની વિવિધ કલમોના ભંગ બદલ દંડની રકમ અ-ધ-ધ રીતે કેન્દ્ર દ્વારા  વધારી દેવાના પગલે ગુજરાત સહિત તમામ રાજયોમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે. કાયદાનો અમલ કરાવી દંડની રકમ પ્રજા પાસેથી વસુલતા પોલીસ સ્ટાફ અને લોકો સામસામા આવી ગયાના ચિંતાજનક બનાવોમાં વધારો થઇ રહયો છે. બીજી તરફ  પોલીસ સ્ટાફ અને અધિકારીઓ ખુલ્લેઆમ ટ્રાફીકના ભંગ કરતા નજરે પડતા જ લોકો દ્વારા તેમને રોકી જે રીતે ઉહાપોહ કરાય છે તેવી તમામ બાબત ધ્યાને લઇ ભાવનગર રેન્જના ડીઆઇજી અશોકકુમાર યાદવે ભાવનગર-અમરેલી અને બોટાદ જીલ્લામાં ટ્રાફિક નિયમન ભંગ બદલ મેગા ડ્રાઇવ શરૂ કરતા અગાઉ એક અનોખો પ્રયોગના ભાગરૂપે  પોતાની હકુમતના ભાવનગર જીલ્લામાં પોલીસ હેડ કવાર્ટર કે જયાં પોલીસ આવાસો આવેલ છે તેની નજીક ટ્રાફીક નિયમનનો ભંગ કરતા પોલીસ સ્ટાફ સામે ખાસ બુથ ઉભુ કરી ફકત પોલીસ સામે જ કેસો કરવાનું શરૂ કરવાનું અભિયાન શરૂ કરતા જ સૌ પ્રમ વખત લોકોને બદલે પોલીસોમાં ફફડાડ મચી ગયો છે.

 

ઉકત બાબતે ભાવનગર રેન્જના વડા અશોકુમાર યાદવે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે ૧૬મીથી ભાવનગર-અમરેલી અને બોટાદ જીલ્લામાં યુનિફોર્મ પહેરી ટ્રાફીક નિયમનનો ખુલ્લેઆમ ભંગ કરતા જોઇ લોકોમાં રોષ ફેલાઇ છે. આ બાબત ધ્યાને લઇ સૌ પ્રથમ પોલીસ સ્ટાફ સામે જ આવી કાર્યવાહી કરી લોકોમાં એક દાખલો બેસાડવો છે. લોકોને એમ થાય કે કાયદાનો અમલ કરાવનારને પણ છોડાતા નથી આને પરીણામે લોકોને પોલીસ પ્રત્યે ગુસ્સો નહિ આવે અને ટ્રાફીક નિયમનનો ભંગ કરતા અગાઉ ખુબ જ સાવધાની રાખશે.

તેઓએ જણાવેલ કે ભાવનગર, અમરેલી અને બોટાદના એસપીઓને તેઓએ તાકીદ કરી છે કે લોકો પાસે અમલ કરાવતા અગાઉ કાયદા પાલનની જેની મહત્વની જવાબદારી છે તેવા પોલીસ સ્ટાફ હેલ્મેટ, સીટબેલ્ટ, ચાલુ વાહને મોબાઇલનો ઉપયોગ, ડાર્ક ફિલ્મ, રોંગ સાઇડ અને વનવેમાં પાર્કીગ ન કરે તે માટેની જવાબદારી તેઓની રહેશે.

અશોકકુમાર યાદવે અકિલા સાથેની વાતચીતમાં વિશેષમાં જણાવેલ કે ભાવનગર, અમરેલી અને બોટાદના એસપી પાસેથી પોલીસ સ્ટાફનો નિયમ ભંગ બદલ કેટલો દંડ કર્યો અને કયા નિયમ મુજબ ભંગ થયેલ અને  શું કાર્યવાહી કરી? તેની તમામ વિગતો મોકલવા પણ તાકીદ કરી છે.

(11:45 am IST)