Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

ધોરાજીની બજારોમાં ''આખલા યુદ્ધ'' તંત્ર તમાશો જુએ છેઃ ઉકેલતું નથી!!

ધોરાજી તા.૧૩: ધોરાજીમાં રેઢીયાળ રખડતા-ભટકતા ઢોરોનો ત્રાસ  દિન-પ્રતિદિન વધતો જાય છે. સાથો-સાથ રસ્તા પર ઠેર-ઠેર આખલાનાં મલયુદ્ધથી લોકો ત્રાહીમામ  પોકારી ઉઠયા છે. અનેક લોક રજુઆતો છતાં પાલિકાતંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન થતાં નગરજનોમાં રોષ પ્રર્વતી રહયો છે.

ધોરાજીમાં રખડતા-ભટકતા ઢોરોનાં મામલે પાલિકાતંત્ર સામે અનેક રજુઆતો આપી સાથો-સાથ વોર્ડનં.૭ના નગરસેવક દિલીપભાઇ જાગાણીએ પણ ચીફ-ઓફીસરને લેખીત-મોૈખિક રજુઆતો કરી હતી ધોરાજીની જનતા જનાર્દનની આ સમસ્યા અનેક વખત અખબારોના માધ્યમથી રજુ થઇ તેમ છતાં પાલિકાતંત્ર દ્વારા આ સમસ્યાનો કોઇ ઉકેલ આવતો નથી.

ઉપરોકત સમસ્યા અંગે ચીફ ઓફીસર બી.પી. જાડેજા એ જણાવેલ કે રખડતા-ભટકતા ઢોરની સમસ્યા દુર કરવા માટે વહીવટી પ્રક્રિયા ચાલી રહી છે.

જો કે આવા ઝોખમકારક પ્રશ્નો સામે વહીવટી પ્રક્રિયા ને બદલે તાત્કાલિક અમલવારી થાય તેમજ જે માલીકોના ઢોર રખડતા મુકી દે તેની સામે દંડાત્મક કાર્યવાહી અને ઢોરોને ડબ્બે પુરવા કાર્યવાહી તાત્કાલિક થાય તે પ્રજાહિત માટે આવશ્યક છે.(૧.૭)

 

(12:00 pm IST)