Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

ભાવનગરમાં મહોરમ પર્વ નિમિતે ૩પ તાજીયા ઝૂલૂસ નીકળશે

કલેકટર હર્ષદ પટેલની અધ્યક્ષતામાં તાજીયા કમીટીના આગેવાનો-અધિકારીઓની બેઠક

ભાવનગર તા. ૧૩ :.. મુસ્લીમ બિરાદરોનો પવિત્ર મહોરમ પર્વ તા. ર૦ અને ર૧ બે દિવસ ઉજવાશે. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ શહેરમાંથી ૩પ જેટલા તાજીયા ઝૂલૂસ નીકળશે. તાજીયા ઝૂલૂસના આયોજન તથા વિવિધ પ્રશ્ને આજરોજ તા. ૧ર ને બુધવારે સાંજે ૪ કલાકે શહેરના સરકીટ હાઉસ ખાતે ભાવનગર જીલ્લા કલેકટર હર્ષદકુમાર પટેલના અધ્યક્ષ સ્થાને સેન્ટ્રલ તાજીયા કમીટીના આગેવાનો અને સબંધીત વિભાગના અધિકારીઓ સાથે એક બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં ભાવનગર જીલ્લા પોલીસ વડા પ્રવિણસિંહ માલ, ભાવનગર મહાનગરપાલિકાના કમીશ્નર એમ. એમ. ગાંધી, ડેપ્યુટી કમિશ્નર ગોવાણી, અધિક કલેકટરશ્રી, મામલતદારશ્રી, મ્યુનિ. સીટી એન્જીનીયર ચંદારાણા, પી. જી. વી. સી. એલ., પી.ડબલ્યુડી સહિતના સંબંધીત વિભાગના અધિકારીઓ મહાપાલિકાના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.

બેઠકમાં સેન્ટ્રલ તાજીયા કમીટીના પ્રમુખ સૈયદ હુસૈનમીયાબાપુ અલફદાક, રજાક કુરેશી, કસ્બા પ્રમુખ મહેબુબભાઇ શેખ, ઇકબાલ આરબ, કાળુભાઇ બેલીમ, ઇમરાન કુરેશી, શબ્બીર ખલાણી, મુસ્તુફા ખોખર, સીરાઝ નાથાણી, સલીમભાઇ વરતેજી, નાહિન કાઝી, હનીફ ચૌહાણ, ઇમરાન બોસ, ગફારભાઇ હબીબાણી, (બોસ), નજીરભાઇ કાચવાલા, સહિતના આગેવાનો તેમજ જુદા જુદા વિસ્તારમાંથી તાજીયા બનાવતા જવાબદાર આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. મુસ્લીમ સમાજના આગેવાનોએ મહોરમ પર્વ શાંતી, સુલેહ, કોમી એકતા અને એખલાશથી ઉજવાય તે માટે અપીલ કરી હતી. (પ-૧૦)

(11:53 am IST)