Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

મોટા દડવા પાસે રાજકોટના ભુપતગીરી ગોસાઇ પર મનુ સાટોડીયાનો હુમલોઃ રીક્ષામાં તોડફોડ

બાવાજી પરિવાર દડવા ગામે મંદિરે દર્શન કરી પરત આવતા'તાઃ બાઇક ચાલકે છકડો રોકી પથ્થરના ઘા કર્યા

રાજકોટ તા.૧૩: આટકોટના મોટા દડવા ગામે કાળ ભેૈરવ દાદાના મંદિરે દર્શન કરી છકડોમાં પરત રાજકોટ જઇ રહેલા બાવાજી પરિવારને મોટા દડવા ગામ પાસે બાઇક ચાલકે છકડો રીક્ષાને રોકી પથ્થરના છુટા ઘા કરી રીક્ષામાં તોડફોડ કર્યાની ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રાજકોટ કોઠારિયા રોડ પર તીરૂપતિ સોસાયટી શેરીનં. ૩માં રહેતા ભુપતગીરી મોહનગીરી ગોસાઇ (ઉ.વ.૬૫) ગઇકાલેે પરિવાર સાથે પોતાના જી.જે. એ.એસ. ૨૨૨૧ નંબરના છકઠો રીક્ષામાં બેસી આટકોટના મોટા દડવા ગામે કાળભૈરવ દાદાના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. દર્શન કરી પરત રાજકોટ આવતા હતા ત્યારે દડવાથી હોડથલી રોડ પર એક નંબ વગરના બાઇક પર આવેલા શખ્સે છકડો રીક્ષાને રોકી ભુપતગીરી તથા તેના પરિવારજનોને ગાળો આપી ઉશ્કેરાઇને પથ્થરના ઘા કરતા ભુપતગીરીને ડાબી આંખ પાસે ઇજા થઇ હતી. અને રીક્ષાનો કાચ ફોડી નાખ્યો હતો. આ અંગે ભુપતગીરી ગોસાઇએ આટકોટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હેડ કોન્સ. આર.જી. મેટાળિયાએ તપાસ કરતા આ શખ્સ મનુ સાટોડીયા (રહે. મોટા દડવા) નો હોવાનું ખુલતા પોલીસે તેની સામે ગુનો દાખલ કરી શોધખોળ આદરી છે.(૧.૧૦)

(11:51 am IST)