Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

ઢાંકના સ્વયંભુ ગણપતિદાદાનો મહિમા અપરંપાર

વનવાસ દરમિયાન પાંડવોએ ગણેશજીની મહાપુજા-અર્ચના કર્યાની લોકવાયકા

ઢાંક તા.૧૨: સોૈરાષ્ટ્રનાં ઉપલેટા તાલુકાના અતિ પ્રાચિન ઇતિહાસ સાથે સંકળાયેલા ઢાંક ગામે બસ સ્ટેન્ડ પાસે બિરાજતાં અતિ દિવ્ય અલોૈકિક-સ્વયંભુ પ્રાગટય એવા શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાનાં મંદિરનો મહિમા અનેરો છે.

એક લોકવાયકાં એવી પણ છે કે જયારે શ્રી પાંડવોજી વનવાસ દરમિયાન દેશી રટણ કરતાં કરતા આ વિસ્તારમાં આવેલ અને આ દિવ્ય અલોૈકિક સ્વરૂપ જોઇને પ્રભાવિત થઇ શ્રી ગણપતિ દાદાની સહપરિવાર સહિત સર્વેએ મહાપુજા કરેલ.

આશરે બે હજાર વર્ષ પુર્વે આ ઢાંક ગામનું નામ પ્રેહ પાટણ હતું અને એક સાધુ મહારાજે કોઇ કારણસર આ પુરાણા પ્રેહ પાટણને શ્રાપ આપીને હતું ન હતું કરી નાખેલ.

આજનું આ ઢાંક ગામ પુર્વે પ્રેહ પાટણ હતું પરંતુ શ્રાપને કારણે જમીનમાં દટાઇ જવાં પામેલ અને પાયા (ધન-દોલત) માટી થઇ ગયાનાં દાખલાઓ અહિં મોજુદ છે.

એવું પણ સાંભળવા મળ્યું છે. આવા ચોરાસી પાટણ હતા. જેમ કે પ્રભાસ પાટણ-સિદ્ધપુર પાટણ-નાગબાઇમાનું પાટણ-માત્રીમાનું પાટણ જે સમયાંતરે પાટણવાવ થયું. અને આ પ્રેહ પાટણ આવા આ બધા જ ''પાટણ'' ખળ ભળી ઉઠયા હતા પરંતુ શ્રી ગણેશ દાદાની કૃપાથી કોઇ સિદ્ધ સંતશ્રીના આશીર્વાદ અને મંત્ર શકિતથી બીજા પાટણ બચી જવા પામેલ.

પરંતુ આ પ્રેહ પાટણમાં શ્રાપનાં મંત્ર શકિતની ઉર્જા શકિતની ઉર્જા તાકાત વધું હતી. એટલે બચાવી ન શકયાં... તેથી તેઓ તન મન થી ખુબ જ દુઃખી સ્વરે ભગવાનને અંતઃ કરણ પૂર્વક પ્રાર્થના કરેલ કે હે..., ગજાનન... ગણપતિદાદા આ ગામને ફરી વસાવવા તમારા ભકતની એક અરજ સ્વીકારજો. અને હવે પછી આવા કોઇ કોઇ શ્રાપથી આ ધરતી ને ઉગારજો. મારા વાલા... અને હાલ પણ એવું જ બને છે. જો તમે ખરા દિલથી શ્રી ગણપતિદાદાને આપણી જે કોઇ મુશ્કેલીઓ સંકટ - દુઃખ દરિદ્વ કે કોઇ વિધ્ન હોય અને શ્રી ગણપતિદાદા (ઢાંક) ને ફકત એક પોસ્ટ કાર્ડ લખીને તમારા દુઃખની વિગત કહાની લખીને અંતઃ કરણ પૂર્વક પ્રાર્થના કરીને મોકલો અને શ્રી ગણપતિદાદા ટુંક સમયમાં જ સંકટ દુઃખોને દુર કરે છે. અને અહીંના પુજારી શ્રી ભરતગીરીજી દયાગીરીજી ગોસ્વામી પણ પૂરા પ્રેમ ભાવથી ભકતજનો ના પોસ્ટ કાર્ડ - કવર - ટપાલ જે હોય તે શ્રી ગણપતિદાદાને વાંચી સંભળાવે છે. અને હૃદય પૂર્વક આજીજી કાલાવાલા પ્રાર્થના કરીને ભકતજનોનાં સંકટ હોય તે દૂર કરવા વિનંતી કરે છે. છેલ્લા પચીસ વર્ષથી આ ટપાલ સેવા હાલનાં પૂજારી શ્રી ભરતગીરીજીના કૈલાશવાસી પિતાશ્રી પૂજય દયાગીરીબાપુ એ ચાલુ કરેલ છે. જે આજે પણ રોજની અનેક ટપાલો મંદિરના સરનામે મળે છે. અને પૂજારી વાર્તાલાપ કરીને વંચાવી સંભળાવે છે. આ ઘોર કલીકાલમાં જાગતી જયોત સમાન શ્રી ગણપતિદાદા પાસે મંદિરે ભાવિકજનોની મનોકામનાં પૂર્તિ નાં અસંખય પુરાવા છે. શ્રી ગણપતિદાદાનો મહિમા તો અપરંપરા છે. જે સાચી શ્રધ્ધાથી અહી આવે છે. તે શ્રી ગણપતિદાદાને સંપૂર્ણ સમર્પિત થઇ જાય છે. તેના ઇચ્છીત કાર્યો ઝડપથી પૂર્ણ થયા હોય તેવા અનેક ઉદાહરણો પૂજારી પાસે મોજૂદ છે. શરત એટલી કે, 'પવિત્ર ભાવના થી આવો સાચી શ્રધ્ધાથી આવો, આર્તઃ સ્વરે શ્રી ગણપતિદાદા સમક્ષ પોકાર કરો....'

ભાવ અને ભકિતથી શ્રી ગણપતિદાદાનું નામ પૂકારનાર ઉપર શ્રી ગણપતિદાદા અસમ કૃપાનો વરસાદ વરસાવે છે. સંખ્યાબંધ દુઃખી માણસોનાં સંકટ વિધ્નો હરી લેનાર છે. જેનું જગતમાં કોઇ નથી, એના હાથ પકડી એના ભવ રોગનું શમન કરનાર શ્રી ગણપતિદાદાનું અતિ ભવ્યાતિભવ્ય સ્વરૂપ છે. આ ગામ અને મંદિરની પવિત્ર ધરતીમાં પગ મુકતાની સાથે જ હૈયું ગદગદ બની જાય છે. એટલું જ નહિ પણ હૃદય અંનત શ્રધ્ધાથી ભરાઇ જાય છે. શ્રી ગણપતિદાદાનું સ્વરૂપ એટલું સૌમ્ય અને તેજસ્વી છે કે જોતાં જ દર્શનાર્થીઓના મનમાં ભાવનાની ભરતી ચઢે છે.

આ ઘોર કલી કાલમાં કહેવાય છે ને કે 'કલો ચંડી વિનાયક' પ્રત્યક્ષ પરચા પૂરનાર હાજરા-હજુર છે. અહીં આવા દુઃખ પીડા ગ્રસ્ત જાત જાતની ઉપાધીઓથી ઘેરાયેલા અશ્રુ સારતા માણસો હૃદયમાં શ્રધ્ધાની જયોત જલતી રાખીને અહીં આવે છે. મસ્તક નમાવી ને ભાવભીનાં સ્વરે કહે છે.

હે ગણપતિદાદા... હે વિધ્ન વિનાયક મારા દુઃખડા હરો... મારી વહારે ચઢો...

અજબ વાત બને છે અલ્પ સમયમાં દુઃખ વિધ્નો હરાય છે. પીડા ટળે છે. મન શાંત અને સંતુપ્ત બને છે. દુખીયા સુખીયા થાય છે. તન મન ધનનાં પ્રશનો દૂર થાય છે. ને શ્રી ગણપતિ ગજાનન દાદાનો જય જયકાર બુંલંદ થવા માંડે છે.

ગુજરાતનાં ગામડે ગામડે થી ભકતો અહી આવે છે ખાસ કરીને મહારાષ્ટ્ર, મુંબઇ, પુના અને દેશ - વિદેશથી પર્યટકો અને ભકતો અહી માથું નમાવવા ખાસ આવે છે. અને જયારે શ્રી ગણપતિદાદાની કૃપા પામી ને દર્શન માટે આવે છે. ત્યારે ભકતજનોનાં મુખડા ખૂબ જ મલકતાં હોય છે. કારણ કે જે ભકતોએ જે સતકામ ધારેલું હતું એ કામ શ્રી ગણપતિદાદાની કૃપા અને આશીર્વાદથી પૂર્ણ થઇ ગયેલ હોય છે.

આ ગણપતિ ધામમાં સમગ્ર શિવ પરિવાર બિરાજે છે. મુખ્ય દરવાજામાં દાખલ થતાં જ દેવોશ્રીનાં સેનાધ્યક્ષ અને વિધ્ન હર્તા શ્રી ગણપતિદાદાનાં વડીલ બંધૂશ્રી ભગવાન કાર્તિક સ્વામીજી બિરાજે છે પછીનાં મંદિરમાં દેવાધીદેવ મહાદેવ શ્રી સદાશિવ ભોળનાથજીનું મંદિર આવે છે. ત્યાર પછી અતિ અલૌકિક સફેદ આકળાનાં મૂળમાંથી સ્વંયભૂ શ્રી ગણપતિદાદાનું મંદિર આવે છે. બાજુ માં જ એક મંદિરમાં શ્રી સુમુખાય ગણપતિદાદા બિરાજે છે.

આ ગણપતિદાદા પ્રાચીન સમયમાં અનેક સંતો સિદ્ધ યોગીઓ દ્વારા પુજન અર્ચન પામેલ હોય તેથી ખુબ જ તેજસ્વી રૂપ અને ચમત્કારી છે. એટલે જ આ મંદિર તરફથી કોઇ પણ જાતનો ફંડ કે ફાળો કરવામાં આવતો નથી. શ્રી ગણપતિદાદાની પ્રેરણાથી ભકતો દ્વારા સુધારા-વધારા અને જીર્ણોધ્ધાર થાય છે.

દ્વારકા શારદા પીઠનાં બહમલીન શંકરાચાર્ય પ.પૂ. શ્રિ અભિનવ સચ્ચિદાનંદ

તીર્થ સ્વામીજી સને ૧૯૭૫માં ઢાંક પધાર્યા ત્યારે તેઓશ્રીએ આ ગણપતિદાદાની આઠ વિદ્વાન પંડિતો સામે સતત ત્રણ કલાક સુધી પુજા-પ્રાર્થના પોતે યજમાન બનીને શ્રી ગણપતિ અર્થવશિષનો પાઠ કરી કરાવીને ખુબ જ પ્રભાવિત થઇ અને સ્વ મુખે બોલી ઉઠયા હતાં કે આ વિશાળ મહા સિદ્ધ વિનાયકજીનાં દર્શ કરી મારી તિર્થ યાત્રા તથા જીવન યાત્રા સફળ થઇ ગઇ. આ ગણપતિદાદા શિલ્પ શાસ્ત્રો મુજબ આથમણી દિશામાં મૂખ રાખીને બેઠેલાં હોય એટલે આ ગામ અને દરેક ભકતો માટે કલ્યાણકારી છે.

ઢાંક ગામે આવવાં માટે રાજકોટથી ૧૩૦ કિ.મી., જુનાગઢથી ૬૦ કિ.મી., પોરબંદરથી ૭૦ કિ.મી. અને જામનગરથી ૧૦૮ કિ.મી. ના અંતરે આવેલું છે. આ ગામમાં શ્રી ગણેશ મંદિર શ્રી ડુંગરેશ્વર મહાદેવ મંદિર, શ્રી હિંગળાજ માતાજીનું મંદિર, શ્રી ફાડેશ્વર મહાદેવ મંદિર, શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિર, શ્રી મુંજેશ્વરી વાવ તથા નાના મોટા કુલ ૪૫ મંદિર છે. અને અહિથી ૪ કિ.મી. દૂર અતિ સુંદર અને રમણીય ધામ શ્રી વેણું ગંગા ગાયત્રી મંદિર પણ મન મોહી લે એવું છે. એથી વિશેષ ત્યાનાં સંતશ્રી પ.પૂ. લાલદાસબાપુ તથા પૂ. શ્રી રાજુભગતનાં આશીર્વાદ મેળવવા એ જીવનનો એક લ્હાવો છે.

ઢાંક ગણપતિદાદાનાં મંદિરમાં પુજા વિધિમાં લાભ લેવા માટે મંદિરનાં ફોન નંબર (૦૨૮૨૬-૨૮૪૩૮૪) ઉપર પુજારીશ્રી ભરતગીરીજી દયાગીરીજી ગોસ્વામીનો સંપર્ક સાધવા જણાવાયંુ છે.

સંકલનઃઅતુલ પી. ભટ્ટ

ભાયાવદર

મો. ૯૪૨૭૨ ૨૩૮૧૩

(12:27 pm IST)
  • અમદાવાદ :એસ જી હાઇવે પર દૂધ ઢોળવાનો કેસ:સોલા પોલીસે કોગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને નોટિસ ફટકારી :આ કેસમાં અલ્પેશ ઠાકોરની કથિત સંડોવણીને લઈને આપવામાં આવી નોટીસ access_time 12:45 am IST

  • જૂનાગઢની GMERS મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ મોડી રાત્રે હડતાળ પર ઉતર્યા :વોશરૂમ, લાઈબ્રેરી અને એન્ટ્રી દરવાજાના પ્રશ્નોની વારંવાર રજૂઆત છતાં ઉકેલ ન આવતાં તમામ વિદ્યાર્થીઓ રાત્રિના સમયે હોસ્ટેલમાંથી બહાર નીકળી ગયા: તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા આ મેડિકલ કોલેજનું ઉદ્ધાટન કરાયું હતું access_time 1:07 am IST

  • સુરત;વેડરોડ સિંગણપોર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયું ડીમોલેશન; સિંગણપોર ચાર રસ્તા પર આવેલી દુકાનોના પાર્કિંગની જગ્યા પર કરાયેલા દબાણને દૂર કરાયું ;મોટા પ્રમાણ માં ઓટલા હોર્ડિંગસ તોડી પાર્કીંગ ખુલ્લું કરાયું access_time 12:03 am IST