Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

કોબની જમીનોનો નાશ કરતા ઝીંગા ઉછેર કેન્દ્રો બંધ કરાવો : રોષપૂર્ણ આવેદન પાઠવાયું

દિવસ-૪માં ઝીંગા ફાર્મ બંધ નહી થાય તો જનતા રેડ કરી તોડી પડાશે

ઉના તા.૧૨ : તાલુકાના દરિયાકાંઠા નજીકના કોબ ગામની સીમને અડીને આવેલા ચીખલી ગામની ખાનગી માલિકીની જમીનોમાં ચાલતા ગેરકાયદેસર ઝીંગા ઉછેર કેન્દ્રોને સત્વરે બંધ કરાવવા કોબ ગામના ખેડુતો ગ્રામજનોએ રોષ પૂર્વક આવેદનપત્ર નાયબ કલેકટરને પાઠવ્યું છે.

કોબના ખેડુતોની કિંમતી ખેતીની જમીનોને ગંભીર નુકશાન કરતા આ ઝીંગા ઉછેર કેન્દ્રો બંધ કરાવવા માટે મામલતદાર - ઉનાએ હુકમ કર્યો હોવા છતા આ ઝીંગા ફાર્મો આજની તારીખે પણ ધમધમી રહ્યા છે ત્યારે ગ્રામજનોના જણાવ્યા મુજબ મતસ્યોઉદ્યોગ ખાતાના અધિકારીઓ જયારે જયારે ઝીંગા ઉછેર કેન્દ્રો બંધ કરાવવા આવે ત્યારે જૂનાગઢ જીલ્લાના ઉચ્ચ રાજકીય વગદાર દ્વારા ટેલીફોનીક ભલામણ કરીને આ ગેરપ્રવૃતિ રોકવામાં ન આવે તેવી અધિકારીઓને સુચના અપાઇ જાય છે !

ત્યારે વાડ જ ચીભડા ગળે તેવો ઘાટ સર્જાયેલો હોય કોબ ગામના ખેડુતોએ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ દિવસ ૪માં આ ગેરકાયદેસર ફાર્મ બંધ નહી કરાવવામાં આવે તો ગ્રામજનોને સામુહીક રીતે જનતા રેડ કરીને આ ઝીંગા ફાર્મને પાળા-તળાવ તોડી નાખવાની ફરજ પાડશે. કોબ ચીખલી ગામમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી કથળે તે પહેલા આ બાબતે તંત્રએ પગલા લેવા જોઇએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે.(૪૫.૭)

(12:23 pm IST)