Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

કાલથી સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગણેશ મહોત્‍સવનો પ્રારંભ

ગામે-ગામ ગણપતિ મહારાજને આવકારવા થનગનાટઃ મહાઆરતી, પુજન, અર્ચન, ધુન, ભજન, કિર્તન સહિતના કાર્યક્રમો

રાજકોટ તા.૧૨: કાલે ગણેશ ચતુર્થીથી રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર ગણેશ મહોત્‍સવના ભવ્‍ય આયોજનો કરવામાં આવ્‍યા છે. જેમાં ગામે-ગામ ગણેશજીની મુર્તિની સ્‍થાપના કરીને દરરોજ પુજન-અર્ચન કરવામાં આવશે.

ગણેશજીના આગમનને વધાવવા ભાવિકોમાં ઉત્‍સાહ છવાયો છે. ગણેશ મહોત્‍સવ અંતર્ગત પુજન, અર્ચન, મહાઆરતી, ધુન, ભજન, ર્કિતન સહિત અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે.

જુનાગઢ

જુનાગઢઃ મેંદરડા શ્રી સ્‍વામિનારાયણ આશ્રમ જી.પી.હાઇસ્‍કૂલની બાજુમાં આવતી કાલ તા. ૧૩ થી ૨૧ સપ્‍ટેમ્‍બર સુધી નવ દિવસ ગણેશ ઉત્‍સવનું શાષાી ભકિત પ્રકાશદાસજી દ્વારા આયોજન કરાયું છે.

જેમાં દરરોજ રાત્રે ૮:૩૦ કલાકે મહાઆરતી પુજન -મહાપ્રસાદ રાસોત્‍સવના કાર્યક્રમ યોજાશે. તેમજ વડીલ વંદના, માતા-પિતાનું પુજન ઠાકોરજીને છપ્‍પનભોગ અર્પણ કરી થાળ આરતી સમુહ પુજા ષોડશોપચાર પુજન વિધિ અને રાષ્‍ટ્ર ભકિત સાથે એક શામ શહિદો કે નામ રાષ્‍ટ્રભકિતના પિયુષનુ પાન સ્‍વામીજી કરાવશે.

તો આ ધર્મોત્‍સવનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને પધારવા ભાગવતાચાર્ય હિન્‍દુ રાષ્‍ટ્રહિત રક્ષક શાષાી ભકિત પ્રકાશદાસજી એ હાર્દિક નિમંત્રણ પાઠવ્‍યું છે.

જસદણ

જસદણ :.. જસદણ - વિંછીયા પંથકમાં આવતીકાલ ગુરૂવારથી શરૂ થતા ગણેશ મહોત્‍સવ સંદર્ભે ભાવિકજનોમાં અનેરો થનગનાટ પ્રવર્તી રહ્યો છે. જસદણ -વિંછીયા પંથકના મોટાભાગના ગામોમાં ગણેશ મહોત્‍સ્‍વનું જબરજસ્‍ત આયોજનને આખરી ઓપ આપવામાં આવ્‍યો છે. આ મહોત્‍સવમાં ગણપતિબાપા ને ચાહનારો નાનાથી માંડી માલેતુજાર વર્ગ પોતાની શકિત મુજબ ખર્ચ કરતો હોવાથી સોનામાં સુગંધ ભળે એવું વાતાવરણ સર્જાય છે. આ મહાપર્વ અનુસંધાને પત્રકાર હુસામુદીન કપાસી, હિતેશ ગોંસાઇએ સર્વેને આગોતરી શુભેચ્‍છા પાઠવી છે. ગણેશ મહોત્‍સવની આગામી ઉજવણી પ્રસંગે ભાવિકોમાં અનેરો ઉત્‍સાહ છવાયો છે.

(11:42 am IST)