Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

વિસાવદરના પ્રેમપરાની સગર્ભા મહિલા પરના હુમલામાં આરોપીની ધરપકડ

ફરીયાદ ન કરવા બે લાખની લાલચ પણ આપેલ

જૂનાગઢ, તા. ૧૩ :. વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામના લખીબેન જીવરાજભાઈ પરમાર (ઉ.વ. ૩૫) નામની સગર્ભા મહિલા તા. ૧૧ના રોજ બપોરના અરસામાં સેરખીયા વાડી વિસ્તારમાં પોતાની ભેંસો ચરાવતી હતી.

ત્યારે પ્રેમપરાનો દુલર્ભ રાજા માવળીયા-પટેલ નામના શખ્સે પાછળથી આવી લખીબેનને થપ્પડ મારતા તેઓ પડી ગયા હતા. આ પછી રાક્ષસ બનેલા દુર્લભે લખીબેનના પેટ ઉપર લાકડાથી બે-ત્રણ ઘા ઝીંકી દેતા મહિલાના પેટમાં રહેલ આઠ માસનો ગર્ભ (બાળક) અડધો બહાર નીકળી ગયો હતો.

ગૌચરની જમીનમાં ભેંસો નહિ ચરાવવાનું કહી હેવાન બનેલા દુર્લભ માવળીયાએ મહિલાને લોહી લોહાણ કરી મુકી હતી.

આ દરમિયાન લખીબેનના પતિ જીવરાજ જગભાઈ આવી જતા હુમલાખોરે પોલીસ ફરીયાદ નહી કરવા જણાવી રૂ. બે લાખની લાલચ આપી હતી. બાદમાં દંપતીને જાનથી મારી નાખવાની ધમકી આપી આ શખ્સ નાસી ગયો હતો.

આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલ લખીબેનને પ્રથમ વિસાવદર અને બાદમાં જૂનાગઢ ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલ.

વિસાવદર પોલીસે મહિલાની ફરીયાદ લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી. પી.આઈ. કે.કે. ઝાલાએ ત્વરીત તપાસ હાથ ધરી ગત રાત્રે આરોપી દુર્લભ રાજાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(3:51 pm IST)