Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

ભાવનગરઃ વેળાવદર પંથકમાં કુતરાએ ૧ર કાળીયારને ફાડી ખાધા

૧૧ કાળીયારને વન વિભાગને ટીમે બચાવી લઇને સારવારમાં ખસેડયા

ભાવનગર તા. ૧૩: ભાવનગર નજીક આવેલા વેળાવદર પંથકમાં પાણીમાં ફસાયેલા ૧ર કાળીયારને કુતરાએ ફાડી ખાધા છે. જયારે ૧૧ કાળીયારને વન વિભાગની ટીમે રેસ્કયુ કરી બચાવી સારવાર શરૂ કરી છે.

ભાવનગરનાં ભાલ પંથકમાં તા. ૯-૮થી તા. ૧૧-૮ દરમ્યાન ભારે મવરસાદ પડતાં કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન અને આજુબાજુમાં ખુબજ પાણીનો ભરાવો થયેલ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં કાળીયાર સલામત સ્થળની શોધમાં ગામથી સીમ અને ખેતરો તરફ જતાં રખડતા કુતરા દ્વારા કાળીયાર પર હુમલાના બનાવ બનવા પામ્યા છે. મોબાઇલ સ્કવોડે રેન્જ વિસ્તારમાં કુલ ર૩ કાળીયાર પર કુતરા દ્વારા હુમલો કરવામાં આવેલ જે પૈકી ૧ર કાળીયારનાં મોત નિપજયા છે જયારે ૧૧ કાળીયાર વન વિભાગની ટીમ દ્વારા વન વિભાગનાં પશુ ચિકિત્સકની ટીમ દ્વારા ગામ લોકોનાં સહકારથી રેસ્કયુ કરી સારવાર આપવામાં આવેલ છે જે પૈકી ૯ તંદુરસ્ત કાળીયારને સુરક્ષીત વિસ્તારમાં મુકત કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.

(11:49 am IST)